લખનૌ, 5 ઓગસ્ટ 2026: ઉત્તર પ્રદેશના સંભલ હિંસા કેસને લઈને એક મોટો ખુલાસો થયો છે. આજે વિધાનસભામાં સંભલ હિંસાની ન્યાયિક આયોગની રિપોર્ટ રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, સંભલની હિંસા કોઈ અકસ્માત નહીં પરંતુ એક પૂર્વઆયોજિત કાવતરાનું પરિણામ હતી. આ રિપોર્ટમાં સાંસદ જિયા-ઉર-રહેમાન બર્ક અને ધારાસભ્ય ઇકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઇકબાલ સહિતના કેટલાક લોકોની શંકાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, સર્વેની કામગીરીને લઈને મુસ્લિમ સમુદાયમાં ઇરાદાપૂર્વક ભ્રામક અને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી, જેના કારણે માહોલ તણાવપૂર્ણ બન્યો હતો.
રિપોર્ટ અનુસાર, ગત 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મજિદ બહાર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ હતી અને જોતજોતામાં માહોલ હિંસક બની ગયો હતો. આ ઉગ્ર પથ્થરમારો, ગોળીબાર અને આગજનીની ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યાં હતા. જો કે, ન્યાયિક પંચે સ્પષ્ટ કર્યું છે કે મૃતકોને વાગતી ગોળીઓ પોલીસની રાઈફલોમાંથી છૂટેલી નહોતી. આ હિંસક ઝડપમાં કુલ 28 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં 7 પોલીસકર્મીઓને ગોળી વાગી હતી. એટલું જ નહીં, ઉપદ્રવીઓએ પોલીસના હથિયારો અને સરકારી સામાન પણ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ન્યાયિક પંચે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લેવાયેલી કાર્યવાહીને અત્યંત સંયમિત અને પ્રભાવી ગણાવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન સર્જાય તે માટે અદાલતના આદેશોનું સન્માન અને કાયદાનું પાલન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
વિધાનસભામાં સીએમ યોગી આદિત્યનાથનો સપા પર આકરો પ્રહાર
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ યોગીએ જણાવ્યું હતું કે વિધાનસભા સત્રને સતત હંગામાની ભેટ ચઢાવવું એ પ્રદેશના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને ગરીબો સાથેનું મોટું અન્યાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર પ્રદેશના વિકાસ માટે રૂ. 59000 કરોડથી વધુનું અનુપૂરક બજેટ લઈને આવી હતી, જેથી ગરીબ કલ્યાણના નવા કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરી શકાય. પરંતુ, સમાજવાદી પાર્ટીના નકારાત્મક વલણ અને અશોભનીય આચરણના કારણે યુવાનો, ખેડૂતો અને મહિલાઓના સ્વાવલંબન જેવા ગંભીર મુદ્દાઓ પર સદનમાં ચર્ચા ન થઈ શકી.
સીએમ યોગીએ ઉમેર્યું કે સરકાર આંગણવાડી કાર્યકરો, રસોઈયાઓ, ગ્રામ ચોકીદારો સહિત દરેક વર્ગના વેતનમાં વધારો કરવા, મહિલા પેન્શન, દિવ્યાંગ પેન્શન અને વૃદ્ધાસ્વ પેન્શન જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવા માંગતી હતી. પરંતુ સપાના અસહકારને કારણે આ પ્રસ્તાવોમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થયો. આ તમામ અવરોધો છતાં સરકારે વિધાનસભામાં પૂરક માંગણીઓ પાસ કરી લીધી છે અને આગામી સમયમાં આ તમામ વર્ગોના કલ્યાણ માટે ઝડપથી કામગીરી કરવામાં આવશે.

