ભાજપાની પ્રશિક્ષક-પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠક કલોલ ખાતે યોજાઈ
- ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા નિર્માણ અને સતત પ્રશિક્ષણ એ સંગઠનની કાર્યપદ્ધતિનું અભિન્ન અંગ છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
- પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓના વૈચારિક ઘડતર, સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્ક ક્ષમતાના વિકાસનું અસરકારક માધ્યમ છેઃ શ્રી રત્નાકરજી
- કાર્યશાળામાં વિવિધ વિષયો માટે જિલ્લા-મહાનગરના વર્ગો માટે વક્તા તરીકે નિયુક્ત પ્રશિક્ષકોને વિષય આધારિત વિગતવાર પ્રશિક્ષણ આપવામાં આવ્યું
કલોલ, 5 ઓગસ્ટ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આજે બુધવારે કલોલ ખાતે જિલ્લા-મહાનગર પ્રશિક્ષણ વર્ગ સંદર્ભે પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠક યોજાઈ હતી.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આગામી સમયમાં આયોજિત થનાર જિલ્લા તથા મહાનગરના પ્રશિક્ષણ વર્ગ સંદર્ભે વિવિધ વિષયો અંગે કાર્યકરોને પ્રશિક્ષિત કરવા જનાર પ્રદેશ દ્વારા નિયુક્ત વક્તાઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા નિર્માણ અને સતત પ્રશિક્ષણ એ સંગઠનની કાર્યપદ્ધતિનું અભિન્ન અંગ છે, જે પ્રત્યેક કાર્યકર્તામાં રાષ્ટ્રપ્રથમ, સેવા અને સમર્પણના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તામાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પડકારોને સ્વીકારીને સફળતાપૂર્વક કાર્ય કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે.

જિલ્લા-મહાનગર પ્રશિક્ષણ વર્ગોમાં વક્તા તરીકે જનાર આગેવાનોને માર્ગદર્શન
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પ્રશિક્ષણ વર્ગોને કાર્યકર્તાઓના વૈચારિક ઘડતર, સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્ક ક્ષમતાના વિકાસનું અસરકારક માધ્યમ ગણાવ્યું હતું અને જિલ્લા-મહાનગર પ્રશિક્ષણ વર્ગોમાં વક્તા તરીકે જનાર આગેવાનોને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આજની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળામાં વિવિધ વિષયો માટે જિલ્લા-મહાનગરમાં વક્તા તરીકે જનાર પ્રશિક્ષકોને વિષય આધારિત વિગતવાર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
અગાઉ ભાજપા દ્વારા સમગ્ર રાજ્યના તમામ મંડલોમાં પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયા હતા અને તે વર્ગોમાં કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકનાર પદાધિકારીઓ અને કાર્યકરો માટે પૂરક વર્ગ પણ યોજાઈ ગયા છે. હવે મંડલ સ્તરે પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયા બાદ જિલ્લા-મહાનગરના પ્રશિક્ષણ વર્ગનું આયોજન થશે જેમાં પ્રદેશ દ્વારા નિયુક્ત વક્તાઓ અપેક્ષિત શ્રેણીના કાર્યકરોને વિવિધ વિષયો અંગે પ્રશિક્ષિત કરશે. પ્રશિક્ષણ મહા અભિયાનના પશ્વિમ-મધ્ય ઝોનના ઇન્ચાર્જ શ્રી કે. સી. પટેલે પણ આજની આયોજન બેઠકમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી અનિરુધ્ધભાઈ દવે, શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશિક્ષણ મહા અભિયાનના પશ્વિમ-મધ્ય ઝોનના ઇન્ચાર્જ શ્રી કે. સી. પટેલ, પ્રશિક્ષણ મહા અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ પટેલ, વિવિધ વિષયો માટે પ્રદેશ દ્વારા નિયુક્ત વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


