રાજકોટ, 23 સપ્ટેમ્બર,2026 : Saurashtra University’s 61st convocation ceremony to be held on October 8th સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 61મો પદવીદાન સમારોહ આગામી તા.8 ઓક્ટોબરના રોજ યોજાશે. યુનિવર્સિટીના કૂલાધિપતિ એવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 150 થી વધુ ગોલ્ડ મેડલ પદવીધારકોને પદવીઓ એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહમાં 42 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ હોલ ખાતે આ કોન્વોકેશન યોજાશે. પદવીદાન સમારોહને લઈને પરીક્ષા વિભાગ તેમજ યુનિવર્સિટીના વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હિરક જયંતી એટલે 60મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23મી મે, 1967ના દિવસે થઈ હતી. ત્યારથી અવિરત આપણે પદવીદાન સમારંભો યોજતા રહ્યા છીએ. આ વખતે તા. 8મી ઓક્ટોબરના કુલાધિપતિ અને રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં નવનિર્મિત ઓડિટોરિયમમાં લગભગ 42,000થી વધારે વિદ્યાર્થીઓ અને 150થી વધારે ગોલ્ડ મેડલનું વિતરણ રાજ્યપાલના હસ્તે કરાશે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે હિરક જયંતી દરમિયાન આવતો મોટો ઉત્સવ છે. 8મી ઓક્ટોબરે 61મા કોન્વોકેશનનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે યુનિવર્સિટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે તેમના મનમાં ડિગ્રી મેળવવાનું એક બહુ મોટું સપનું હોય છે. જેથી, જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તે બધાને ડિગ્રી અનાયત કરવાનો એક વિશેષ અવસર બની રહેશે.


