અંબાજી, 23 સપ્ટેમ્બર,2026 : 15.85 lakh devotees had darshan in three days of Lok Mela in Ambaji સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ત્રીજા દિવસે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. મેળાના ત્રણ દિવસમાં કુલ 15,85,383 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. મંગળવારે મેળાના ત્રીજા દિવસે 7,21,906 ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અંબાજી માતાજીના દર્શન માટે ભાદરવી પૂનમનું વિશેષ મહાત્મ્ય છે. મોટી સંખ્યામાં પદયાત્રિઓ મા અંબાજીના દર્શન માટે આવી રહ્યા છે. અંબાજી તરફ આવતા તમામ માર્ગો પર પદયાત્રિઓની વણઝાર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા હતા. આખું યાત્રાધામ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હાલ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. મંગળવારે મેળાના ત્રીજા દિવસે 9,684 યાત્રીકોએ ઉડનખટોલાનો ઉપયોગ કર્યો હતો. એસટી બસમાં 89,158 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેના માટે કુલ 2012 ટ્રીપો થઈ હતી. તેમજ મંગળવારે 775 ધજારોહણ પણ કરવામાં આવ્યા હતા. ભોજન પ્રસાદ લેનારા યાત્રિકોની સંખ્યા 89,897 હતી. આ ઉપરાંત, 4,93,021 મોહન પ્રસાદના પેકેટ અને 7,254 ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્રીજા દિવસે ભંડાર કાઉન્ટરની આવક 27,37,737 રૂપિયા રહી હતી. મેળાના ત્રણ દિવસની કુલ આવક 84,86,858 રૂપિયા થઈ છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સરાહનીય પહેલ કરવામાં આવી છે. દર્શનાર્થે આવતા માઇભક્તોને વિના મૂલ્યે ધજા પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મંદિર શિખર પર ફક્ત 5 મીટરની ધજા ચડાવવાના નિર્ણય બાદ, અન્ય તમામ ધજાઓ માતાજીના ચરણોમાં અર્પણ કરીને ભક્તોને પ્રસાદ રૂપે પરત આપવામાં આવી રહી છે. ચાચર ચોકમાં ખાસ કેન્દ્ર શરૂ કરીને આ ધજા વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે ચલાવવામાં આવી રહી છે.


