વલસાડ, 23 સપ્ટેમ્બર,2026 : Boat capsizes in the sea જિલ્લાના પારડીના ઉમરસાડી માછીવાડ ગામે મંગળવારે સવારે લાલજી મહારાજની મૂર્તિને દરિયામાં સ્નાન કરાવવા જતી વખતે એક બોટ પલટી જતાં પૂજારી સહિત 6 વ્યક્તિઓનો બચાવ થયો હતો. જ્યારે સવાર દોઢ વર્ષનું માસુમ બાળક દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સ્થાનિક માછીમારો, પારડી પોલીસ અને અનુભવી તરવૈયાઓની ટીમ દ્વારા ગુમ થયેલા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી ગામના માછીમાર પરિવારોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, પારડીના ઉમરસાડી માછીવાડ ગામે માછીમાર પરિવારો દ્વારા પરંપરાગત વિધિ મુજબ લાલજી મહારાજની મૂર્તિને દરિયામાં સ્નાન કરાવવા માટે લઈ જઈ રહ્યા હતા. બોટમાં બે પૂજારી બાળક સહિત 7 લોકો સવાર હતા. દરિયામાં બોટ આગળ વધી રહી હતી તે દરમિયાન પંખામાં માછલી પકડવાની જાળનું દોરડું અચાનક આવી ગયું હતું. પંખામાં દોરડું લપેટાઈ જતાં જ બોટનું બેલેન્સ બગડ્યું અને બોટ પલટી ગઈ હતી. બોટ પલટતાં જ તેમાં સવાર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બોટ પલટતા જ દાદીના ખોળામાં બેઠેલું આશરે દોઢ વર્ષનું બાળક હાથમાંથી સરકીને દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. અન્ય તમામ સભ્યોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતાં મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવથી દરિયાકિનારે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ, સરપંચ અને માછીમાર સમાજના અનુભવી તરવૈયાઓ સ્થળ પર પહોંચ્યા હતા. ચંદ્રપુરના સ્થાનિક તરવૈયાઓની મદદથી ગુમ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી શકી નથી.
માછીમાર સંઘના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ મકનજીભાઈ ટંડેલે જણાવ્યું કે ભાદરવી અમાસ પછી ધંધાની શરૂઆત પહેલાં લાલજી મહારાજને સ્નાન કરાવવાનો પરંપરાગત રિવાજ છે. આ વિધિ વખતે દોરડું ફસાતાં બોટ પલટી ગઈ હતી અને બાળક ગુમ થતાં શોધખોળ જારી છે.


