Homeગુજરાતીદેશ-વિદેશપેન્શનધારકો માટે પોસ્ટ વિભાગની ભેટ, હવે ઘરે બેઠા બનશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ

પેન્શનધારકો માટે પોસ્ટ વિભાગની ભેટ, હવે ઘરે બેઠા બનશે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ

નવી દિલ્હી,: હવે પેન્શનધારકોએ લાઇફ સર્ટિફિકેટ (હયાતીનું પ્રમાણપત્ર) જમા કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈપણ વિભાગમાં જવાની જરૂર રહેશે નહીં. પેન્શનધારકો પોતાના નજીકના પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કઢાવી શકશે. આ માટે માત્ર રૂ. 70ની ફી નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલી આપવામાં આવશે, જેથી પેન્શન મેળવવામાં કોઈ અડચણ નહીં આવે. આ અંગેની માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપી. આ પહેલ ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને વધુ સશક્ત બનાવવાની સાથે સરકારી સેવાઓ નાગરિકોના ઘરઆંગણે પહોંચાડવાની દિશામાં પોસ્ટ વિભાગનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ જ ક્રમમાં અમદાવાદ ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પેન્શનર શ્રી ઘનશ્યામભાઈ હરગોવનદાસ તથા શ્રીમતી જીવીબેન દલાભાઈ પરમારનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવની ઉપસ્થિતિમાં પોસ્ટમેન મારફતે સફળતાપૂર્વક બનાવીને આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, જેને ‘જીવન પ્રમાણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકાર દ્વારા પેન્શનધારકો માટે શરૂ કરવામાં આવેલી બાયોમેટ્રિક અને આધાર આધારિત ડિજિટલ સેવા છે. આ સેવા દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા અન્ય સરકારી સંસ્થાઓના પેન્શનધારકો બેંક કે પેન્શન કચેરીમાં ગયા વિના ઘરે બેઠા જ પોતે હયાત હોવા અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન રજૂ કરી શકે છે, જેથી તેમનું પેન્શન કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી શકે. શ્રી યાદવે વધુમાં જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેનનો સંપર્ક કરી શકે છે. પોસ્ટમેન પેન્શનધારકના ઘરે આવી બાયોમેટ્રિક ડિવાઇસ દ્વારા અંગૂઠા અથવા આંગળીની છાપના આધારે તેમનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તૈયાર કરી આપશે. આ માટે પેન્શનધારકે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર આપવાનો રહેશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનધારકના મોબાઇલ નંબર પર પુષ્ટિ માટેનો એસએમએસ મોકલવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે https://jeevanpramaan.gov.in/ppouser/login વેબસાઇટ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા દ્વારા ઓળખ) અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી ડિજિટલ પ્રક્રિયાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ખાસ કરીને દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પેન્શનધારકો સહિત તમામ પેન્શનધારકોને સરળતાથી અને સુવિધાજનક રીતે સરકારી સેવાઓનો લાભ મળી શકે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img