1. Home
  2. Bharat@2047
  3. ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  
ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  

ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  

0
Social Share

ગાંધીનગર, 4 જૂન 2026 – ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું 3 જૂનને બુધવારના રોજ આયોજન થયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત ૨૨ જૂન થી ૧૦ જુલાઈ દરમિયાન રાજ્યના ૫૮૦ મંડલોમાં આયોજિત થનાર મંડલ પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી તેમજ પ્રશિક્ષણ મહાઅભિયાનના પશ્ચિમ-મધ્ય ઝોન પ્રભારી શ્રી કે.સી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યસૂચિ અંગે વિગતવાર માર્ગદર્શન

આ કાર્યશાળામાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીએ પ્રશિક્ષણ મહાઅભિયાનની કાર્યસૂચિ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાજપાનું આ રાષ્ટ્રવ્યાપી પ્રશિક્ષણ અભિયાન એક દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ટ્રેનિંગ પ્રોગ્રામ છે જેમાં મંડલ અને જિલ્લા સ્તરે ૧૬.૫ લાખથી વધુ કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવશે. ભારતીય જનસંઘ વખતથી ૧૯૫૨થી કાર્યકરોને પ્રશિક્ષિત કરવાની પરંપરા ચાલતી આવી છે. દેશના કરોડો નાગરિકોની અપેક્ષા ભારતીય જનતા પાર્ટી પાસેથી છે ત્યારે બદલાતા સમયની સાથે આવશ્યકતા અનુસાર નવચાર સાથે કાર્યકરોને વિવિધ આયામો સાથે પ્રશિક્ષિત કરવા ભાજપા દ્વારા સમયાંતરે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાય છે.

A regional workshop was held at the BJP office under the 'Pandit Deendayal Upadhyay Training Mahaabhiyan-2026', India@2047,
A regional workshop was held at the BJP office under the ‘Pandit Deendayal Upadhyay Training Mahaabhiyan-2026’, India@2047

તેમણે વધુમાં કહ્યું કે, સંગઠનને સિદ્ધ, સક્ષમ, સશકત અને સક્રિય બનાવવા માટે પ્રશિક્ષણ વર્ગનું ખૂબ મહત્ત્વ છે. રાષ્ટ્રનિર્માણના ઉદ્દેશ્ય, સુવ્યવસ્થિત યોજના અને પરિશ્રમના સરવાળાથી સફળતા ચોક્કસથી પ્રાપ્ત થાય છે. શ્રી શિવપ્રકાશજીએ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનજીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આયોજિત પ્રશિક્ષણ વર્ગો અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.

જગદીશભાઈ વિશ્વકર્માનું માર્ગદર્શન

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, પ્રશિક્ષણ વર્ગો દ્વારા કાર્યકરોમાં સમયબદ્ધતા, શિસ્ત, ધ્યાન, એકાગ્રતા, કર્તવ્યપરાયણતા જેવા ગુણોનો વિકાસ વધુ સુદ્રઢ રીતે થાય છે. કાર્યકર્તા નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે પ્રશિક્ષણ વર્ગ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ ના લક્ષ્યને સાકાર કરવા ભાજપાનો ભગવો દેશભરમાં લહેરાતો રહે તેની જવાબદારી સૌ કાર્યકરોની છે.

આ પણ વાંચોઃ ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પક્ષની કાર્યપદ્ધતિ અને સિદ્ધાંતોનો જાણકાર કાર્યકર્તા પક્ષની વિચારધારા અને કાર્યો વધુ અસરકારકતા સાથે જનતા વચ્ચે લઇ જઇ શકે છે. માટે જ સમયાનુસાર પ્રશિક્ષણની આવશ્યકતા રહેલી છે. પ્રશિક્ષણ વર્ગો કાર્યકરોમાં વૈચારિક કટિબદ્ધતા અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરે છે. ભાજપાનો કાર્યકર માત્ર ચુંટણીની મશીનરી તરીકે નહિ પણ રાષ્ટ્રહિત માટે વૈચારિક સ્પષ્ટતા સાથે સતત જનતા વચ્ચે રહેતો કાર્યકર્તા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના કાર્યમંત્ર સાથે ભાજપાનો કાર્યકર્તા સદાય કાર્યરત છે.

જનતાનો વિશ્વાસ વધતો જાય છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની જનતાનો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વધતો જાય છે. અને આ વિશ્વાસને જાળવી રાખવા માટે પ્રશિક્ષિત કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે. આજે દેશના ૨૨ પ્રદેશો અને ૮૦% ભુભાગ માં જનતાના આશીર્વાદ અને પરિવારભાવના સાથે કાર્યકરોએ કરેલી મહેનતના પરિણામસ્વરૂપ ભાજપાનું શાસન છે અને આ જનાધાર હજુ વધે તે દિશામાં આપણે આગળ વધવાનું છે. તે માટે કાર્યકર્તાનું ઘડતર કરવું જરૂરી છે. પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાને વધુ જાણકાર, કટિબદ્ધ અને વિચારશીલ બનાવવાનું માધ્યમ છે. ભાજપાનો કાર્યકર્તા રાષ્ટ્રપ્રથમની ભાવના, એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્ર ના ભાવ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અવિરત કાર્યરત છે.

આ પણ વાંચોઃ ગુજરાતના દરેક જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે

પ્રશિક્ષણ વર્ગ દ્વારા સક્ષમ કાર્યકર્તાઓનું નિર્માણઃ રત્નાકરજી

આ પ્રદેશ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી અને ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ ના રાષ્ટ્રીય સહ સંયોજકશ્રી રત્નાકરજીએ તમામ ૫૮૦ મંડલમાં આયોજિત થનાર પ્રશિક્ષણ વર્ગોના સુદ્રઢ અને સુનિયોજિત આયોજન, વર્ગોની રૂપરેખા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રશિક્ષણ વર્ગ દ્વારા સક્ષમ કાર્યકર્તાઓનું નિર્માણ થાય છે. તેઓએ મંડલ સ્તરે કાર્યકરો અને પદાધિકારીઓને પ્રશિક્ષિત કરવા માટે જનાર પ્રશિક્ષકોના પ્રશિક્ષણ માટે તેમજ વર્ગમાં આયોજિત થનાર વિવિધ સત્રો સંદર્ભે પણ છણાવટ કરી હતી. પ્રશિક્ષણ મહાઅભિયાનના રાષ્ટ્રીય ટીમના સદસ્ય શ્રી તરુણ ઝવેરીએ આ પ્રસંગે પ્રશિક્ષણમાં નવાચાર અને ટેકનોલોજીના ઉપયોગ વિશે જાણકારી આપી હતી.

આજની આ પ્રદેશ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રીશ્રી અને પ્રશિક્ષણ મહાઅભિયાનના પ્રદેશ પ્રભારી શ્રી અનિરૂદ્ધભાઈ દવે, મહામંત્રીશ્રીઓ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા- મહાનગરના પ્રભારી, પ્રમુખ તથા મહામંત્રીઓ, પ્રશિક્ષણ મહાભિયાનની પ્રદેશ તથા જિલ્લા-મહાનગરની ટીમ સહિત અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળાનું સંચાલન પ્રશિક્ષણ મહાભિયાનની પ્રદેશ ટીમના સંયોજક શ્રી રાજેશભાઈ પટેલે કર્યું હતું અને આભારવિધિ શ્રી વિજયભાઈ પંડ્યા દ્વારા સંપન્ન કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code