HomeAgency Newsમાર્ક ઝકરબર્ગ ઝૂક્યાઃ ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટ અને ડીપફેકને પ્રોત્સાહન બદલ માફી માગી

માર્ક ઝકરબર્ગ ઝૂક્યાઃ ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટ અને ડીપફેકને પ્રોત્સાહન બદલ માફી માગી

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – માર્ક ઝકરબર્ગે છેવટે ઝૂકવું પડ્યું છે. ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટ અને ડીપફેકને મેટાના વિવિધ સોશિયલ મીડિયા ઉપર પ્રોત્સાહન બદલ તેમણે ભારત સરકારની માફી માગી હોવાનું જાણવા મળે છે.

સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ મેટા અને ભારત સરકાર વચ્ચે ઊભો થયેલો વિવાદ હવે ઉકેલાતો જોવા મળી રહ્યો છે. મેટાના CEO ઝકરબર્ગે ડીપફેક કન્ટેન્ટને લઈને સરકારને માફીનામું મોકલ્યું છે. તેમણે CSAM (બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી) ડીપફેક કન્ટેન્ટ અને પ્લેટફોર્મના સંચાલનમાં થયેલી ભૂલો બદલ માફી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, Meta એ સ્વીકાર્યું છે કે અમુક પ્રકારના કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે મોટો નાણાકીય ખર્ચ કરવામાં આવ્યો હતો.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે Metaને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તે માત્ર ‘ઇન્ટરમીડિયરી’ (મધ્યસ્થી)ની વ્યાખ્યામાં નથી આવતું, કારણ કે કંપની પોતે નક્કી કરે છે કે કયું કન્ટેન્ટ કોના સુધી પહોંચશે. સરકારનું કહેવું છે કે આવા સંજોગોમાં IT Act હેઠળ મળતું ‘સેફ હાર્બર’ રક્ષણ Meta પર લાગુ થશે નહીં. સરકારી સૂત્રો મુજબ Meta એ આ સમગ્ર મામલે પોતાની ભૂલ સ્વીકારીને ખેદ વ્યક્ત કર્યો છે અને માફી માંગી છે.

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કથિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

સરકારે Metaને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતના કાયદાનું દરેક પરિસ્થિતિમાં પાલન કરવું પડશે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ પહેલાં વડાપ્રધાન મોદીની પોસ્ટ હટાવવાના મામલાને પણ સરકારે ગંભીરતાથી ઉઠાવ્યો હતો. પ્લેટફોર્મ પર આપત્તિજનક અને અભદ્ર કન્ટેન્ટનો મુદ્દો પણ ભારત સરકારે રજૂ કર્યો હતો. Metaએ જવાબ આપ્યો કે તેમની પાસે કડક આંતરિક નિયમો લાગુ છે. Metaએ ઉમેર્યું કે પ્લેટફોર્મનો જાણીજોઈને કરાતો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

સરકારે મેટાના અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા

આ અગાઉ મેટાની ગ્લોબલ ટીમે આજે બુધવારે (5 ઓગસ્ટ) માહિતી પ્રૌદ્યોગિકી (IT) મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્ર સરકારે કંપનીના અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ હટાવવાના મામલે સમન્સ પાઠવ્યા હતા. મીટિંગમાં મહત્વપૂર્ણ પોસ્ટ પર કરાયેલી ખોટી કાર્યવાહી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળ જાતીય શોષણ અને શારીરિક શોષણ સામગ્રી (CSAM) પર અસરકારક રોક લગાવવામાં થયેલી ચૂક તથા અન્ય નિયમનકારી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મેટાના સિનિયર અધિકારીઓની ટીમે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ મુલાકાત કરી હતી. મંત્રી સાથેની આ મુલાકાત લગભગ અડધા કલાક સુધી ચાલી હતી. આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ રહી કારણ કે પીએમ મોદીની તાજેતરની ફેસબુક પોસ્ટને થોડા સમય માટે હટાવ્યા બાદ સરકારે મેટાના ટોચના ગ્લોબલ અધિકારીઓને તેડાવ્યા હતા. વડાપ્રધાનની આ પોસ્ટમાં યુવાનોને સંબોધિત કરતા પ્રશ્નપત્ર લીકના કિસ્સાઓ પર કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. અમેરિકી કંપનીએ આ ઘટના માટે ટેકનિકલ ખામીને જવાબદાર ગણાવીને માફી માંગી હતી અને જણાવ્યું હતું કે પોસ્ટ ભૂલથી હટી ગઈ હતી, જેને પાછળથી પુનઃસ્થાપિત (રિસ્ટોર) કરી દેવામાં આવી હતી.

સંબંધિત લેખો

Most Popular