Site icon Revoi.in

અમદાવાદના SG હાઈવે પર દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ અને લારીગલ્લાવાળા વચ્ચે ઘર્ષણ

Social Share

અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર સેટેલાઈટ મોલની સામે એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લાવાળા તથા મ્યુનિની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક મજૂરને માથાના ભાગે ઈજા થઈ હતી તથા બે મજૂરોને સામાન્ય ઇજા થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા લારી ગલ્લાવાળા પ્રેમસિંગ કુંભસિંગ યાદવ, જયસિંહ કુંભસિંગ યાદવ અને ચરણસિંગ કુંભસિંગ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.

શહેરના એસજી હાઈવે પર સેટેલાઈટ મોલ નજીક એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ જ્યારે ટેબલ ઉપાડવા લાગી ત્યારે બોલાચાલી થઈ અને પછી છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. જેમાં શ્રમિકો ઘવાતા 108 એમ્બ્યુલન્સ બોલાવી એક શ્રમિકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.અને દબાણકર્તા 03 શખ્સ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે FIR કરવામાં આવી હતી.

સૂત્રોના કહેવા મુજબ એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પટેલ તેમના સબ ઇન્સ્પેક્ટર ધવલ ભગોરા, રાહુલ વસાવા સહિતના એસ્ટેટ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝના મજૂર સાથે સેટેલાઈટ મોલની સામે સર્વિસ રોડ ઉપર નાસ્તાની લારીઓ રોડ પર હટાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો પોતાની લારી લઈને ઇસ્કોન બ્રિજ તરફ નાસી ગયા હતા. જ્યારે કેટલાક લોકોનો સામાન ત્યાં પડી રહ્યો હતો. જેથી તે સામાન ગાડીમાં ભરી દેવામાં આવ્યો હતો. આ સામાન ભરીને ઇસ્કોન બ્રિજ નીચે પાણીની પરબ પાસે પહોંચ્યા હતા, ત્યારે ત્રણ વ્યક્તિ આવ્યા હતા અને અમારો સામાન કેમ લઈ જાવ છો કહીને બોલાચાલી કરી હતી. જેના જવાબમાં વોર્ડ ઇન્સપેક્ટર રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારી ઉભી રાખી ટ્રાફિકને અડચણ કરો છો તેમ કહેતાની સાથે જ બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી વિશાલ નામનો વ્યક્તિ તેને છોડાવવા જતા માથાના ભાગે અને હાથના ભાગે લાકડી મારી દીધી હતી.