ગાંધીનગર, 1 જુન 2026 : Class One officer of Energy Department arrested in bribery case પાટનગર ગાંધીનગરમાં ઊર્જા વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા એ.બી ચૌધરીની એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચ કેસમાં ધરપકડ કરી છે. ચૌધરી સામે સોલર પેનલની મંજૂરી માટે લાખોની લાંચ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એસીબીએ આ કેસમાં તપાસ કરતા ચૌધરીની કારમાંથી પાંચ લાખની રોકડ રકમ મળી આવી હતી. ત્યારબાદ એસીબીની ટીમે ચૌધરીના ગાંધીનગર અને સુરતના સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એસીબીને તપાસ કરતા તેમના બંને મકાન તથા ગાડીમાંથી 1 કરોડ 76 લાખ રોકડા મળ્યા છે. આ સાથે સોના-ચાંદી 88 લાખ 82 હજારની કિંમતના દાગીના મળ્યા છે. તેમની પાસેથી કુલ 2 કરોડ 64 લાખની મત્તા મળી આવી છે. ક્લાસ વન અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી (NOC) મેળવવાના મામલે ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીએ મોટી રકમની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી. ત્યારબાદ ક્લાસ વન અધિકારી ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ રૂ.1.76 કરોડની રોકડ રકમ અને રૂ. 88.82 લાખની અંદાજિત કિંમતના સોના-ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવ્યા હતાં. આમ કુલ રૂ.2.64 કરોડની મત્તા આરોપીના ઘર અને તેની ગાડીના સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યું હતું
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઊર્જા વિભાગના ક્લાસ વન અધિકારી એ. બી. ચૌધરી અંગે એવી પણ માહિતી મળી રહી છે કે, તેઓ અહીં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતા હતા. એક અઠવાડિયામાં 100 ફાઇલ ક્લિયર કરી છે. તેમની નોકરીના માત્ર આઠ મહિના જ બાકી હતા.

