અમદાવાદ, 26 મે,2026 : Cloudy weather brings down temperature in some areas ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાંયા વાતાવરણને લીધે તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી આકાશમાં વાદળો ગોરંભાયા હતા. જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જોકે તાપમાનમાં ઘટાડો થયો છે. પણ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટમાં વધારો થતાં બફારાથી લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા હતા.
જાણીતા હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ રાજ્યમાં તાપમાનમાં ક્રમશ: ઘટાડો થશે. ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવીટીમાં વધારો થશે. આજથી રાજ્યમાં સૌરાષ્ટ્રની દરિયા કિનારા તથા દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા છે. ૨૨ થી ૨૪ મે દરમિયાન ગાજવીજ સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં ૨૭ મેથી ઉકળાટમાં વધારો થશે. રોહિણી નક્ષત્ર તપે તો સારૂ ગણાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા સમયેનો વરસાદ સારો ગણાય. ૧ થી ૫ જૂન દરમિયાન વરસાદ થવાની શક્યતા છે. અરબી સમુદ્ર ની સિસ્ટમ અને પવનોના કારણે ચોમાસુ આંશિક ધીમું પડ્યું છે. અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ જતા ચોમાસુ આગળ વધશે. ચોમાસુ ૨૬ મે થી ૧ જૂન સુધી કેરળ કાંઠે આવી શકે છે. ૧૫ જૂન સુધી ગુજરાતમાં વરસાદ આવશે. આદ્રા નક્ષત્રમાં ૨૩ જૂન બાદ સારો વરસાદ આવશે
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી લોકોને અસહ્ય અકળામણ અને ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે ભારે ડિસ્કમ્ફર્ટ (અકળામણ) અનુભવાશે અને રાજ્યભરમાં રાત્રે પણ બફારો યથાવત રહેશે. જો કે, આ દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ સામાન્ય જનજીવનને પ્રભાવિત કરતું રહેશે. આજે વહેલી સવારથી અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અહીંના ગ્રામ્ય પંથકોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉનાળાની સીઝનમાં અચાનક વરસાદી વાતાવરણ બનવાના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે.

