Site icon Revoi.in

ગુજરાતમાં ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બંગાળની ખાડી તરફથી ફુંકાતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 27-28 ડિસેમ્બરના ગુજરાતના 13 જિલ્લામાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા માર્કેટ યાર્ડના એલર્ટ કરીને ખૂલ્લામાં પડેલા અનાજના જથ્થો પલળે નહીં તેની તકેદારી રાખવા જણાવાયુ છે.

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણને લીધે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારે થયો છે. જોકે બે દિવસ બાદ વાદળો વિખરાતા કડકડતી ઠંડી અનુભવાશે. ગત રાત્રે નલિયામાં 7.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.8 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન વધીને 20 ડિગ્રી સુધી થવાની સંભાવના છે. અમદાવાદમાં 28 ડિસેમ્બર બાદ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીના જોરમાં ફરી વધારો થશે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે દેશા 12 રાજ્યોનું વાતાવરણ પલટાયું છે. ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાત પણ સામેલ છે. રાજ્યમાં બે દિવસ બાદ કમોસમી વરસાદ આવશે. તારીખ 26થી 29 તારીખ દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. હાલ રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.