સવારથી વાદળછાયું વાતાવરણ, અરવલ્લી-સાબરકાંઠામાં વરસ્યા અમીછાંટણા
હેમંત પરમાર (અરવલ્લી), 30 મે 2026
આજે સવારથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. હવામાન વિભાગે અગાઉથી જ આગામી ત્રણ દિવસ સુધી બંને જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી, અને આગાહી મુજબ આજ સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. થોડા સમય બાદ હળવા વરસાદના અમીછાંટણા શરૂ થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદના આગમનથી મોટી રાહત મળી છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન
મોડાસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ચોમાસા જેવી તાજગી જોવા મળી હતી. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ અનેક સ્થળોએ વાદળછાયા વચ્ચે વરસાદી ઝાપટાં વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ સુધી પણ અરવલ્લી અને સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
ખેડૂતો માટે પણ આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે. વાવણી પૂર્વે જમીનમાં ભેજ વધતા ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. હાલ બંને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગરમીમાં ઘટાડો નોંધાયો છે અને લોકો વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે.


