રાજ્યસભા બાદ હવે લોકસભામાં પણ વંદે માતરમ બિલ પાસ, વંદે માતરમનું અપમાન હવે બનશે ગંભીર ગુનો
નવી દિલ્હી, 30 જુલાઈ 2026: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન દેશમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાયદો બનવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. સંસદના બંને સદનોમાંથી ‘વંદે માતરમ બિલ’ ને મંજૂરી મળી ગઈ છે. અગાઉ 29 જુલાઈએ રાજ્યસભામાં આ વિધેયક પાસ થયા બાદ, ગુરુવારે વિપક્ષના ભારે હંગામા અને શોરબારા વચ્ચે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી છે. બંને ગૃહોમાંથી બિલ પાસ થતાં હવે તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે, અને તેમની સહી બાદ આ બિલ સત્તાવાર રીતે કાયદો બની જશે. રાષ્ટ્રપતિની મ્હોર લાગ્યા બાદ આ કાયદાને ‘ગેઝેટ ઓફ ઇન્ડિયા’ (ભારતના રાજપત્ર) માં પ્રકાશિત કરવામાં આવશે અને સરકાર દ્વારા નક્કી કરાયેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે.
ગુરુવારે સંસદના સત્ર દરમિયાન ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભામાં ‘રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સંશોધન) વિધેયક-૨૦૨૬’ ને ચર્ચા અને પારિત કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. વોટિંગ પ્રક્રિયા બાદ વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલને લોકસભાની મંજૂરી મળી ગઈ હતી, ત્યારબાદ લોકસભાની કાર્યવાહી આગામી દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ આ બિલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં ચર્ચા અંતર્ગત તેને પસાર કરવામાં આવ્યું હતું. બિલ પર ચર્ચા દરમિયાન સરકારનો પક્ષ રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રીય ગીતોનો આદર એવો વિષય છે જે રાજકારણથી ઉપર હોવો જોઈએ. આ વિધેયક કોઈ વ્યક્તિ કે વિચારધારા વિરુદ્ધ નથી, પરંતુ દેશની ગરિમા અને આપણી સાયી રાષ્ટ્રીય ચેતનાને મજબૂત કરવા માટેનું પગલું છે.
-
વંદે માતરમનું અપમાન હવે બનશે ગંભીર ગુનો
આ બિલ કાયદો બન્યા બાદ આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ને પણ રાષ્ટ્રગાન (જન ગણ મન) જેવી જ સર્વોચ્ચ કાનૂની સુરક્ષા પ્રાપ્ત થઈ જશે. અત્યાર સુધી આ કાયદા હેઠળ માત્ર રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાનની સુરક્ષાની જોગવાઈ હતી, પરંતુ હવે તેમાં ‘વંદે માતરમ’ ને પણ સમાન સૂચિમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. નવા કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ ‘વંદે માતરમ’ ગીતનું અપમાન કરશે તો તેને કાયદાકીય અપમાન ગણવામાં આવશે. જો કોઈને વંદે માતરમ ગાવાથી અટકાવવામાં આવશે અથવા ગાઈ રહેતી વેળાએ જાણી જોઈને અડચણ ઊભી કરવામાં આવશે તો તેને ગંભીર ગુનો માનવામાં આવશે. આ કાયદા હેઠળ કસૂરવાર સાબિત થનાર વ્યક્તિને ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાષ્ટ્રગાનનું અપમાન કરવા પર પણ આ જ પ્રકારની સજાની જોગવાઈ અમલમાં છે.


