ગાંધીનગર, 30 જુલાઈ, 2026 – ભાજપ દ્વારા રવિદાસ મહારાજની જન્મજયંતી 20 ફેબ્રુઆરી સુધી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ યોજાશે તેમ પક્ષ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું. સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસ 29 જુલાઈથી શ્રી રવિદાસ મહારાજની જન્મજયંતી 20 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ યોજાશે. જે અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આગામી ૬ મહિનામાં તબક્કાવાર રીતે વિવિધ કાર્યક્રમો યોજાશે તેમ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

સમરસતાના સંકલ્પ સાથે ગુરુ રવિદાસજીના તૈલચિત્રોનું વિતરણ
તેમણે જણાવ્યું કે, ગઇકાલે તા. 29 જુલાઈએ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અભિયાનના પ્રથમ તબક્કામાં દેશભરના ગુરુ રવિદાસ મંદિરોમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાણસી ખાતે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી તથા ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ સમરસતાના સંકલ્પ સાથે ગુરુ રવિદાસજીના તૈલચિત્રો દેશભરના દરેક મંડળ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. મંદિરોમાં તેમના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવનમૂલ્યો, આદર્શો, સામાજિક સમરસતા માટે તેમની પ્રતિબદ્ધતા, સંઘર્ષમય જીવન તથા સનાતન ધર્મ પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે વિવિધ સ્થાનોએ વક્તાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ભારતમાં PM મોદીની અપીલને પગલે સોનાની માંગ 6 ટકા ઘટી, સિક્કા અને બારમાં રોકાણ વધ્યું
મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ કળશ પૂજન કરશે
શ્રી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ગુજરાત ભાજપાની એક ટીમ ઉત્તર પ્રદેશથી શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિ સીર ગોવર્ધનપુરની પવિત્ર માટી સાથેનો કળશ લઈને ગુજરાત માટે રવાના થઈ છે. પવિત્ર યાત્રાધામ અંબાજીથી ૧ ઓગસ્ટે રાજ્યવ્યાપી કળશ યાત્રા નો પ્રારંભ થશે જે છ જિલ્લાઓમાંથી પસાર થઈ ૩ ઓગસ્ટના રોજ અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પહોંચશે જ્યાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કળશનું પૂજન કરશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ બીજા તબ્બકામાં રાજ્યના દરેક જિલ્લા-મહાનગર તથા ગુજરાતના 16 હજાર ગામમાં ગુરુ રવિદાસજીના સમાનતા, સામાજિક સમરસતા, ભાઈચારા અને માનવતાના સંદેશ સાથે ભવ્ય કળશ યાત્રા યોજાશે તેમજ ગુરુ રવિદાસજીના જીવન અને વિચારો આધારિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે. સમાજના દરેક વર્ગ સુધી શ્રી રવિદાસ મહારાજના ઉચ્ચતમ વિચારો પહોંચાડવાનો પ્રયાસ કરાશે. કળશ યાત્રા જે-જે માર્ગ પરથી પસાર થશે ત્યાં વિવિધ સમાજના લોકો પુષ્પવર્ષા અને સ્વાગત કાર્યક્રમો, બેનરો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરશે.
આ પણ વાંચોઃ જગદીશભાઇ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ‘સમરસ્તા સંકલ્પ સભા’ યોજાઈ
વિવિધ ગોષ્ઠીનું આયોજન
અભિયાન દરમિયાન ગુરુ પરંપરા, ગુરુ રવિદાસજીના જીવનકાળ, મુઘલકાળ દરમિયાન સનાતન ધર્મ અને સામાજિક સમરસતા માટે તેમણે કરેલા સંઘર્ષ અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, છાત્ર સંવાદ, સંતો સાથેના સંવાદ તથા વિવિધ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનના સફળ સંચાલન માટે પ્રદેશ અને જિલ્લા સ્તરે સંગઠન દ્વારા વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી છ મહિના દરમિયાન ભાજપનો દરેક કાર્યકર્તા આ અભિયાનને સફળ બનાવવા માટે સમર્પિત ભાવથી કાર્ય કરશે. સમગ્ર રાજ્યમાં ગોષ્ઠીઓ, સંમેલનો, કળશ યાત્રાના સ્વાગત કાર્યક્રમો, કળશ પૂજન અને ગામેગામ વિવિધ આયોજનો કરવામાં આવશે. જ્યાં કળશ પહોંચશે ત્યાં તુલસી ક્યારા, નિર્માણાધીન મંદિરો અથવા ધાર્મિક સ્થળોએ પવિત્ર માટી અર્પણ કરી સમરસતા, સાંસ્કૃતિક એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
શ્રી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી દેશના મહાન સંતો અને વિભૂતિઓની વિરાસતને સતત સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તેમની વિચારધારાનું પેઢી દર પેઢી સિંચન થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભાજપ માત્ર રાજકીય કાર્ય સુધી મર્યાદિત નથી, પરંતુ સેવા, ધર્મરક્ષા, સામાજિક સમરસતા અને યુવા પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન માટે પણ સતત કાર્યરત છે.
તેમણે જણાવ્યું કે, ગુરુ રવિદાસજીના સમરસતા, સમાનતા અને માનવતાના આદર્શો ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદના દર્શનમાં પણ પ્રતિબિંબિત થાય છે. સાથે જ વર્ષ 2014થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓમાં પણ ગુરુ રવિદાસજીના સંકલ્પોનું પ્રતિબિંબ જોવા મળે છે.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, અમદાવાદના પૂર્વ મેયર શ્રી કિરીટભાઇ પરમાર, ગાંધીનગરના પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

