ભારતમાં PM મોદીની અપીલને પગલે સોનાની માંગ 6 ટકા ઘટી, સિક્કા અને બારમાં રોકાણ વધ્યું
નવી દિલ્હી, 30 જુલાઈ 2026: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના તાજેતરના અહેવાલ મુજબ, ચાલુ નાણાકીય વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની કુલ માંગ વાર્ષિક ધોરણે 6 ટકા ઘટીને 131.4 ટન રહી છે. અગાઉના વર્ષ 2025ના સમાન ગાળામાં સોનાની કુલ માંગ 139.7 ટન નોંધાઈ હતી. મોસમી પરિબળોને કારણે ઓછી ઘરાકી, કસ્ટમ ડ્યુટીમાં થયેલો વધારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને સોનાની ખરીદી મર્યાદિત કરવા અંગેની અપીલને આ ઘટાડા પાછળના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
માત્ર જથ્થા (ટન) ની દ્રષ્ટિએ ભલે માંગ ઘટી હોય, પરંતુ ઊંચી કિંમતોને કારણે સોનાના વેચાણનું કુલ મૂલ્ય અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. WGC ના ભારતના રિજિયોનલ CEO સચિન જૈને જણાવ્યું હતું કે, સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં સોનાની કુલ ખપત 1,98,100 કરોડ રૂપિયા રહી છે, જે ગત વર્ષ 2025ના સમાન ગાળામાં 1,32,500 કરોડ રૂપિયા હતી. આ આંકડો વાર્ષિક ધોરણે આશ્ચર્યજનક રીતે 50 ટકાનો વધારો દર્શાવે છે, જે સાબિત કરે છે કે બજારમાં સોનાની કિંમતો ભલે વધી હોય, પરંતુ ભારતીય ગ્રાહકોની સોના પ્રત્યેની પ્રાથમિકતા અકબંધ છે.
WGC એ ચાલુ વર્ષ 2026 માટે સોનાની કુલ માંગ 650 થી 750 ટન વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સચિન જૈનના મતે, વર્તમાન ભૂ-રાજકીય તણાવ, વ્યાજ દરો અને ફુગાવાની સ્થિતિને જોતા માંગ અંદાજિત શ્રેણીની આસપાસ જ જળવાઈ રહેશે. જો આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધુ ઘટાડો થાય અને કસ્ટમ ડ્યુટીમાં રાહત મળે, તો માંગ અંદાજના ઉપલા સ્તર સુધી પહોંચી શકે છે.
-
જ્વેલરીની માંગ ઘટી, પરંતુ સિક્કા અને બારમાં રોકાણ વધ્યું
જ્વેલરી માર્કેટ: ક્વાર્ટર દરમિયાન દેશમાં સોનાના દાગીનાની કુલ માંગ 15 ટકા ઘટીને 75.1 ટન થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં જ્વેલરીની માંગ 88.7 કે 88.7 ટન હતી.
રોકાણલક્ષી ખરીદી: બીજી તરફ, રોકાણકારો માટે સોનું ખરીદવાનો ઉત્સાહ યથાવત રહ્યો છે. સોનાના બાર અને સિક્કાની માંગ 9 ટકા વધીને 50.3 ટન પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે નાણાં ઉપાડવાના વલણ વચ્ચે ભારતીય ગોલ્ડ ETFs માં 4.2 ટનનો શુદ્ધ પ્રવાહ નોંધાયો છે.
-
વડાપ્રધાન મોદીની અપીલ અને ગ્રે માર્કેટની ચિંતા
સમીક્ષા અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વર્ષે મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાચા તેલની વધતી આયાત અને વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવાના ભાગરૂપે નાગરિકોને બિનજરૂરી સોનાની ખરીદી ઘટાડવા અનુરોધ કર્યો હતો, જેની અસર પણ બજાર પર જોવા મળી છે.
આ સાથે જ, WGC એ કસ્ટમ ડ્યુટી વધ્યા બાદ ગ્રે માર્કેટ (બિનસત્તાવાર બજાર) સક્રિય થવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સચિન જૈને ચેતવણી આપી છે કે બજારમાં ગેરકાયદેસર રીતે દાણચોરીનું સોનું પ્રવેશી રહ્યું છે, જે કાનૂની ઉદ્યોગ માટે સૌથી મોટું જોખમ બની રહ્યું છે. આગામી ત્રિમાસિક ગાળામાં તહેવારો અને લગ્કસરાની સીઝન શરૂ થવાની હોવાથી બજારને નવું પ્રોત્સાહન મળવાની પૂરી આશા છે.


