ગાંધીનગર, 30 જુલાઈ, 2026 – ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ગાંધીનગર આયોજિત ‘સમરસ્તા સંકલ્પ સભા’માં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો-મહંતોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા સંત શ્રી રોહિદાસ સેવા સમાજ-ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજનું પવિત્ર સ્થાન સમગ્ર સમાજ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ટેક્નોલોજીના યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્ત્વ અવિચળ રહ્યું છે તે આપણા માટે ગૌરવની બાબત છે. ગુરુપૂર્ણિમા માત્ર ગુરુ વંદનાનો તહેવાર નથી, પરંતુ પોતાના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી ગુરુએ દર્શાવેલા સત્ય, સદાચાર અને સન્માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવાનો પવિત્ર અવસર છે.

તેમણે જણાવ્યું હતું કે, સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજ અગ્રણી સંત, મહાન સમાજ સુધારક અને સમરસ સમાજના પ્રખર પ્રણેતા હતા. તેમણે પોતાના જીવન અને વાણી દ્વારા સમાનતા, માનવતા અને કર્મપ્રધાન જીવનનો સંદેશ આપ્યો હતો. મનુષ્ય જન્મ કે જાતિથી નહીં પરંતુ તેના કર્મોથી શ્રેષ્ઠ હોય છે, તેવો શ્રી રવિદાસ મહારાજનો સંદેશ આજે પણ સમગ્ર માનવ સમાજ માટે માર્ગદર્શક છે.
શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજે સમાજમાં રહેલા ભેદભાવને દૂર કરીને માનવતાને સર્વોચ્ચ સ્થાન આપવાનું કાર્ય કર્યું હતું. સમાજમાં રહેલી વિભાજનની માનસિકતા દૂર કરીને સમરસ અને સમાનતાપૂર્ણ સમાજના નિર્માણ માટે આપણે સૌએ તેમના વિચારોને જીવનમાં ઉતારવા અને જન-જન સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ બનવું જોઈએ. સંતશ્રી રવિદાસજીના આદર્શો માત્ર એક સમાજ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે પ્રેરણાસ્ત્રોત છે.
આ પણ વાંચોઃ ‘નિર્ભય થઈને તમારી ફરજ બજાવવાનું ચાલુ રાખો, જવાબદારી હું લઈશ’: CRPF વડાનો જવાનોને સંદેશ
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત સૌને સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા અને માનવતાના આદર્શોને જીવનમાં આત્મસાત કરી સામાજિક એકતા અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ઉપસ્થિત સૌ નાગરિકો સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની સામૂહિક આરતીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું ૧૧૦૦૦ નોટબુકથી સ્વાગત કરાયું હતું જેનું સ્થાનિક જરૂરિયાતમંદ બાળકોમાં વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગર ભાજપાના અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, શ્રી રોહિદાસ સેવા સમાજ- ગુજરાતના પ્રમુખ શ્રી દિનેશભાઈ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરી સંત શ્રી રવિદાસ મહારાજના સામાજિક સમરસતાના ઉત્તમ વિચારો અને ઉચ્ચતમ જીવનમૂલ્યો અંગે જણાવ્યું હતું અને સૌને શ્રી રવિદાસજી મહારાજના જીવનમાંથી પ્રેરણા લેવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધાર્મિક સંતો, મહંતો, પ્રદેશ મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારીશ્રી નીરવભાઈ અમીન, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ડૉ. આશિષકુમાર દવે, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સંત શ્રી રોહિદાસ સેવા સમાજ, ગુજરાતના અગ્રણીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપા પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.


