દેશમાં સાયબર ઠગીના કેસો ત્રણ ગણા વધ્યા, તેલંગાણામાં સૌથી વધારે કેસ નોંધાયાં
નવી દિલ્હી, 30 જુલાઈ 2026: ભારતમાં ડિજિટલ યુગ સાથે સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, દેશમાં સાયબર ઠગીના મામલા છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ ત્રણ ગણા વધી ગયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) ના રિપોર્ટને ટાંકીને ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, વર્ષ 2020માં સમગ્ર દેશમાં સાયબર ઠગીના 10395 કેસો નોંધાયા હતા, જે વર્ષ 2024માં વધીને સીધા 29758 પર પહોંચી ગયા છે. સરકાર દ્વારા આપવામાં આવેલા વાર્ષિક આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2021માં 14007, વર્ષ 2022માં 17470, વર્ષ 2023માં 19466 અને વર્ષ 2024માં 29758 કેસ નોંધાયા હતા. આ આંકડા સ્પષ્ટ સાબિતી આપે છે કે નાગરિકો માટે સાયબર સુરક્ષા આજે એક સૌથી મોટો પડકાર બની રહી છે. જો કે, આ ઠગીમાં લોકોના કેટલા નાણાં ડૂબ્યા કે કેટલા રિકવર થયા તેનો કેન્દ્રીય સ્તરે કોઈ અલગ રેકોર્ડ રખાતો નથી.
વર્ષ 2024ના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો, ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ સૌથી મોટો ખતરો બનીને ઉભર્યો છે. એક જ વર્ષમાં ઓનલાઈન બેન્કિંગ છેતરપિંડીના 4659 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ફ્રોડના 3829 કેસો સામે આવ્યા છે. માર્કેટિંગ અને રોકાણના નામે લોકોને ફસાવવાના 3044 કેસો નોંધાયા છે. આવી જ રીતે એટીએમ ફ્રોડના 1659, બોગસ કોલના 1264, ગેમિંગ એપ્સ અને વેબસાઈટ્સ સંબંધિત 1019, ઓટીપી ફ્રોડના 965 અને ઈ-વોલેટ અને યુપીઆઈ ફ્રોડના 723 જેટલા કેસ નોંધાયાં હતા. સરકારના જણાવ્યા મુજબ, ગેમિંગ એપ્સ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, વિશીંગ અને UPI ફ્રોડ જેવા નવા પ્રકારના ગુનાઓનો અલગ ડેટા વર્ષ 2024થી જ રાખવાની શરૂઆત કરવામાં આવી છે.
-
કયા રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાયા?
રાજ્યવાર સ્થિતિ જોઈએ તો, વર્ષ 2024માં દેશભરમાં સૌથી વધુ સાયબર ઠગીના કેસો તેલંગાણા રાજ્યમાંથી સામે આવ્યા છે, જ્યાં 18922 કેસ નોંધાયા હતા. આ યાદીમાં બીજા ક્રમે બિહાર છે જ્યાં 4020 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 2827 અને ઓડિશામાં 1546 કેસો નોંધાયા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સાયબર ગુનાઓની ફરિયાદો નોંધીને તેના પર એફઆઈઆર કરવા અને તપાસ કરવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત રાજ્યોની પોલીસ અને કાનૂની એજન્સીઓની હોય છે.
- સાયબર ફ્રોડ રોકવા સરકારની કામગીરી અને જાગૃતિ
દેશમાં વધી રહેલા સાયબર અપરાધોને ડામવા માટે ગૃહ મંત્રાલયે ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ની સ્થાપના કરી છે. નાગરિકો કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કરી શકે છે. આ ઉપરાંત, CFFRMS સિસ્ટમ દ્વારા નાણાકીય ફ્રોડના કિસ્સાઓમાં તાત્કાલિક ધોરણે નાણાંની લેવડ-દેવડ અટકાવીને લોકોને રાહત આપવામાં આવે છે. 30 જૂન 2026સુધીના આંકડા મુજબ, આ પોર્ટલની મદદથી 32.80 લાખથી વધુ ફરિયાદોમાં 11158 કરોડ રૂપિયાથી વધુની રકમ બચાવવામાં મોટી સફળતા મળી છે.


