Homeગુજરાતીગુજરાતવિદેશનો મોહ ભંગ: ઈમિગ્રેશનના કડક નિયમો અને સંઘર્ષથી કંટાળી મોટી સંખ્યામાં ગુજરાતીઓ...

વિદેશનો મોહ ભંગ: ઈમિગ્રેશનના કડક નિયમો અને સંઘર્ષથી કંટાળી મોટી સંખ્યામાં ગુજરાતીઓ વતન પરત ફર્યા

અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2026: વિદેશ જઈને ઉજ્જવળ કારકિર્દી બનાવવાની ઘેલછામાં યુવાનોએ પોતાના માતા-પિતાના દાગીના વેચાવડાવ્યા હોય, ઘર કે ખેતરો ગીરો મૂકીને ડિપોઝિટ ભરી હોય તેવા બનાવો અવારનવાર સામે આવતા રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વિવિધ દેશોના ઈમિગ્રેશન નિયમોમાં થયેલા ધરખમ ફેરફારો, નોકરીઓની અછત અને આર્થિક કટોકટી જેવા કારણોસર હવે વિદેશ જનારાઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, વિદેશમાં રહેતા અને અભ્યાસ અર્થે ગયેલા યુવાનો તથા પરિવારોમાંથી આશરે 40 ટકા લોકો વતન પરત આવી ચૂક્યા છે. શહેરના જાણીતા એનેસ્થેટોલોજિસ્ટ ડૉ. તુષાર ચોક્સીના એક વિશેષ રિસર્ચ દરમિયાન આ ચોંકાવનારા તારણો સપાટી પર આવ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાતીઓમાં હવે વિદેશ જવાનો મોહ ભંગ થઈ રહ્યો છે.

અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચવાની સાથે પોતાનો જીવ પણ જોખમમાં મૂકતાં અચકાતા નહોતા. ચાર વર્ષ અગાઉ ગાંધીનગર જિલ્લાના એક ગુજરાતી પરિવારના ચાર સભ્યો કેનેડાથી અમેરિકા બોર્ડર ઘૂસતી વખતે ભારે બરફવર્ષામાં થીજી જતાં કરુણ મોતને ભેટ્યા હતા, જ્યારે જંગલોમાં કલાકો સુધી ચાલવું અને બોટિંગ કે ફાયરિંગમાં જીવ ગુમાવવાના બનાવો પણ બન્યા છે. બીજી તરફ, કાયદેસર રીતે વિદેશ ગયેલા પરિવારો પોતાના સંતાનો યુએસ કે યુકે સ્થાયી થયા હોવાનો ગર્વથી પ્રચાર કરતા હતા. લગ્નના માર્કેટમાં પણ વિદેશથી આવેલા યુવક-યુવતીઓનો ભારે દબદબો રહેતો હતો. પરંતુ હવે બદલાયેલી વૈશ્વિક સ્થિતિને કારણે વિદેશમાં અભ્યાસ પૂરો કર્યા બાદ સ્થાયી થવાના યુવાનોના સ્વપ્ના રોળાઈ રહ્યા છે.

  • દેશમાં ૫૦ હજારની નોકરી હોય તો વિદેશ ન આવતા

હાલમાં અમેરિકા, કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાર્ટ-ટાઇમ નોકરીના કલાકોમાં કટોતી કરવામાં આવી છે, જ્યારે ગેરકાયદે કામ કરનારાઓને અત્યંત ઓછું વેતન આપવામાં આવે છે. મોંઘવારીના કારણે બચત ખૂબ જ ઓછી થઈ રહી છે. ત્યાં સ્થાયી થયેલા ગુજરાતીઓ હવે દેશના યુવાનોને સલાહ આપી રહ્યા છે કે જો ભારતમાં 40 થી 50 હજાર રૂપિયાની નોકરી કે નાનો વ્યવસાય હોય તો વિદેશનો મોહ છોડી દેવો જોઈએ. વિદેશમાં જઈને વટ પાડવાના ભ્રમમાં રહેવા કરતાં ભારતમાં રહીને જ પરિવાર વચ્ચે સુખી જીવન જીવવું સારું છે તેવું સમજીને 40 ટકા ગુજરાતીઓ હવે પરત ફરી રહ્યા છે.

નિષ્ણાતો અને અભ્યાસુઓના મતે, વર્તમાન સમયમાં વિદેશ જવું કે નહીં તે એક મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે. વિદેશ જવાનો નિર્ણય માત્ર એવા લોકો માટે જ અર્થપૂર્ણ બની શકે છે જેમની પાસે ઉચ્ચ સ્તરની અને ડિમાન્ડમાં હોય તેવી કુશળતા હોય, ચોક્કસ સંશોધન કે શૈક્ષણિક તકો હોય, આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાસ્તવિક સંભાવનાઓ હોય અને વિઝા તથા કાયમી વસવાટ અંગે સ્પષ્ટ કાનૂની સમજણ હોય. કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર કે “ત્યાં પહોંચીને જોઈ લઈશું” તેવા વિચાર સાથે વિદેશ જવાનો નિર્ણય હવે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular