Homeગુજરાતીપૂર્વોત્તર ભારતમાં ડ્રગ્સ હેરાફેરીની મોટસ ઓપરેન્ડી બદલાઈ, મ્યાંમારથી સિન્થેટિક ડ્રગ્સની ઘુસણખોરી વધી

પૂર્વોત્તર ભારતમાં ડ્રગ્સ હેરાફેરીની મોટસ ઓપરેન્ડી બદલાઈ, મ્યાંમારથી સિન્થેટિક ડ્રગ્સની ઘુસણખોરી વધી

નવી દિલ્હી, 30 જુલાઈ 2026: ઉત્તરપૂર્વ ભારતમાં નશીલા પદાર્થોની તસ્કરીનું સ્વરૂપ હવે ઝડપથી બદલાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી મહત્વની માહિતીમાં જણાવ્યું છે કે તસ્કરી કરનારા કુખ્યાત ગેંગ હવે પરંપરાગત હેરોઈનની સાથે-સાથે મ્યાંમારની સરહદેથી મેથામફેટામાઈન (ક્રિસ્ટલ મેથ/યાબા) જેવા ખતરનાક સિન્થેટિક ડ્રગ્સની હેરાફેરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ જેવા સરહદી રાજ્યોના રસ્તે આ ડ્રગ્સની ઘૂસખોરીમાં મોટો વધારો થયો છે. તસ્કરી આચરતા ગુનેગારો હવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે સોશિયલ મીડિયા અને હાઇ-એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન એપ્સનો ઉપયોગ કરીને સરહદ પારથી ગેરકાયદે વેપારનું સંકલન કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશના વિવિધ ભાગોમાંથી પ્રીકર્સર કેમિકલ્સ પણ મ્યાંમાર મોકલવામાં આવી રહ્યા છે, જેનો ઉપયોગ સિન્થેટિક ડ્રગ્સ તૈયાર કરવા માટે થાય છે.

ભારત-મ્યાંમાર વચ્ચેના કેટલાક વિસ્તારો ખુલ્લા અને સરહદી વાડ વિનાના છે, જેનો લાભ લઈને તસ્કરો જંગલો, પહાડી રસ્તાઓ અને પેદલ માર્ગોનો ગેરકાયદે ઉપયોગ કરે છે. નશીલા પદાર્થોને છુપાવવા માટે પેસેન્જર વાહનો, માલવાહક ટ્રકો અને કાયદેસરના માલસામાનની આડ લેવામાં આવે છે. મોરેહ-તામુ સરહદી વિસ્તાર આજે પણ હેરોઈન અને ક્રિસ્ટલ મેથની હેરાફેરી માટે મુખ્ય રૂટ બનેલો છે.

સુરક્ષા એજન્સીઓની કડકાઈના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2021 થી 2025 વચ્ચે દેશની કાનૂની એજન્સીઓએ 4626 કિલોગ્રામ એમ્ફેટામાઈન ટાઈપ સ્ટીમ્યુલન્ટ્સ અને 2652 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી છે.

આ ગંભીર આંતરરાષ્ટ્રીય અને સરહદી સમસ્યાને પહોંચી વસવા માટે સરકારે ‘વિઝન ડોક્યુમેન્ટ ઓન નાર્કોટિક્સ કંટ્રોલ 2026-2029’ તૈયાર કર્યો છે. આ ઉપરાંત NCORD તંત્રને વધુ તેજ બનાવવું, પૂર્વોત્તરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની નવી ઓફિસો શરૂ કરવી, અદ્યતન સર્વેલન્સ સિસ્ટમ, એન્ટી-ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અને સંવેદનશીલ સરહદો પર મજબૂત ફેન્સિંગ (બાડબંધી) જેવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરી શકાય.

સંબંધિત લેખો

Most Popular