અમદાવાદ, 4 ઓક્ટોબર, 2026 : young pedestrian dies after being hit by dumper શહેરમાં બેફામ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં ડમ્પરે રોડ ક્રોસ કરતા રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ડમ્પરનો ચાલક ડમ્પર મુકીને નાસી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હીથ ધરી છે.
શહેરના જુહાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલી રહી હોય એક તરફની લેન બંધ છે.આજે બપોરના સમયે ભીમકુમાર મહતો નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરઝડપે આવેલા ડમ્પરે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતુ. પૂરઝડપે આવી રહેલા ડમ્પરે યુવકને ટક્કર મારી હતી જેના કારણે યુવક જમીન પર પટકાયો હતો.યુવક પટકાયા બાદ ડમ્પર યુવકના શરીર પર ચઢી ગયું હતું.યુવક ડમ્પરના ટાયરમાં ફસાઈને થોડે આગળ સુધી ઢસડાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલી મહિલાને પણ ટક્કર વાગતા તે પણ પડી હતી,જોકે મહિલાનો જીવ બચી ગયો છે.અકસ્માતમાં યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.
અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં જેનું મોત થયું તે યુવક બાજુમાં જ ચાલી રહેલા રોડ પર કામ કરી રહ્યો હતો.બનાવની જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે યુવકનો મૃતદેહ પીએમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે.અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ જુહાપુરા વિસ્તારમાં જાહેર રોડ પર કામ ચાલતુ હોવાથી અડધો રોડ બંધ કરવામાં આવેલો છે.અગાઉ પણ આ રોડ પર એક અક્સ્માત થયો હતો જેમાં એક સગીર વયનો બાળક ટેમ્પો નીચે આવી ગયો હતો જેમાં કારણે સગીરનું મોઢું છુંદાઈ ગયું હતું ત્યારે હવે બીજા અકસ્માતમાં યુવકનો જીવ ગયો છે.


