જામનગર, 24 સપ્ટેમ્બર,2026 : PGVCL raids against electricity theft સૌરાષ્ટ્રમાં વીજચોરીને લીધે લાઈન લોસ વધતો જતો હોવાથી પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંયતરે દરોડા પાડવામાં આવે છે. ત્યારે પીજીવીસીએલની 51 જેટલી ટીમોએ પોલીસના રક્ષણ હેઠળ જામનગર શહેરમાં અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. વિજિલન્સ વિભાગની 51 જેટલી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક દરોડા પાડીને વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું. આ સામૂહિક કાર્યવાહી દરમિયાન અંદાજે 700 કનેક્શનમાં ગેરરીતિ અને વીજચોરી પકડાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના વિજિલન્સ વિભાગ દ્વારા જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. પીજીવીસીએલની 51 જેટલી ટીમોએ એકસાથે જુદા-જુદા વિસ્તારોમાં ત્રાટકીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અચાનક હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનને કારણે સમગ્ર શહેરમાં વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો હતો. વીજ કંપનીની ટીમો દ્વારા શહેરના રહેણાંક વિસ્તાર ઉપરાંત વિવિધ વ્યાપારી એકમોના વીજ કનેક્શનોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 700 જેટલા કનેક્શનમાં ગેરરીતિ, મીટર સાથે ચેડાં અને સીધી લાઈનમાંથી થતી વીજચોરી પકડાઈ હતી. પોલીસે અને વિજિલન્સ ટીમે સ્થળ પર જ વિગતવાર પંચનામા કરીને ગેરકાયદેસર જોડાણો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પીજીવીસીએલના અધિકારીઓએ સીધી વીજચોરી અને ગેરરીતિ આચરતા તમામ ગ્રાહકો સામે કડક વલણ અપનાવ્યું હતું. પીજીવીસીએલની ટીમો દ્વારા વીજચોરી કરનારાઓને સ્થળ પર જ કુલ મળીને અંદાજે ₹1.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આટલી મોટી રકમનો દંડ ફટકારાતા ગેરકાયદેસર વીજ વપરાશ કરનારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને કંપની દ્વારા દંડની વસૂલાતની કામગીરી પણ ઝડપી બનાવી દેવાઈ છે.
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરો સામે આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર વીજ વપરાશકારોમાં ભયનો માહોલ સર્જાયો છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વીજ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડતા અને લાઈન લોસ વધારતા ગેરકાયદે જોડાણો સામેની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રખાશે. આ સિસ્ટમ થકી શહેરમાંથી વીજચોરી પર સંપૂર્ણ અંકુશ મેળવવાનો કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.


