Site icon Revoi.in

અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મુખ્યમંત્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહા શ્રમદાનના કરવામાં આવેલા આયોજનમાં સહભાગી થયા હતા અને ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સાફ-સફાઈ કરી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ ૧૭ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી બીજી ઓક્ટોબર-૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૨.૯૭ લાખથી વધુ નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાયા છે. ૧૮૭૭ મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરનાં ૫૪૯૫ જેટલા મુખ્ય રસ્તાઓ, ૩૬૭૭થી વધુ કોમર્શીયલ વિસ્તાર તેમજ ૩૨૨૯થી વધુ રહેણાંક વિસ્તારની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી થતા રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપી હતી.

આ અગાઉ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અનુપમ બ્રિજ પાસે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ વેળાએ અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો અમિત ઠાકર, કૌશિક જૈન,  અમુલભાઈ ભટ્ટ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા,શ્રી દિનેશભાઇ કુશવાહ,  જીતુભાઇ પટેલ, શહેરના અગ્રણીઓ પ્રેરક શાહ અને  ભૂષણ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  દેવાંગ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ- અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.