ગુજરાતમાં ઠંડીનો ચમકારો, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજયમાં આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં હજુ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે. તેમજ રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સામાન્ય રીતે ડિસેમ્બરના પ્રારંભમાં જ ઠંડી કડકડતી ઠંડી પડવા લાવે છે. પરંતુ આ વર્ષે વાવાઝોડા અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે, પવનની દીશા બદલાતા ઠંડી વધવા લાગી છે. તેમજ કચ્છમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે. ભુજમાં 11.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 17.1 ડીગ્રી, વડોદરામાં 17.6 ડીગ્રી, સુરતમાં 18.8 ડીગ્રી, રાજકોટમાં 13.2 ડીગ્રી અને ગાંધીનગરમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ડિસેમ્બર અંત સુધીમાં કાતિલ ઠંડીનો અનુભવ પણ થશે.
હવામાન વિભાગે રાજ્યમાં હજુ ઠંડી વધવાની આગાહી કરી છે. તેમજ રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ઠંડી વઘતા લોકોએ ઠંડીથી વચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

