1. Home
  2. ગુજરાતી
  3. ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે સમિતિની રચના
ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે સમિતિની રચના

ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારોના અભ્યાસ માટે સમિતિની રચના

0
Social Share

નવી દિલ્હી, 26 મે 2026: ભારત સરકારે દેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન (ઘૂસણખોરી) અને અન્ય અસામાન્ય કારણોસર થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા અને તેની સામે યોગ્ય પગલાં સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની વિધિવત રચના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ “ઉચ્ચ સત્તાધારી વસ્તી વિષયક મિશન” ની જાહેરાત કરી હતી, જેને કેન્દ્રીય કેબિનેટે 11 સપ્ટેમ્બર 2025ના રોજ મંજૂરી આપી દીધી હતી.

આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષપદે નિવૃત્ત જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર રહેશે. સમિતિમાં દેશના સેન્સસ કમિશનર ઉપરાંત ત્રણ અગ્રણી નિષ્ણાતો — નિવૃત્ત IAS દુર્ગા શંકર મિશ્રા, નિવૃત્ત IPS બાલાજી શ્રીવાસ્તવ અને ડૉ. શમિકા રવિ સભ્યો તરીકે સામેલ છે. જ્યારે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફોરેનર્સ-I) આ સમિતિના સભ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળશે. આ સમિતિએ પોતાનો વ્યાપક અહેવાલ એક વર્ષની અંદર સરકારને સુપરત કરવાનો રહેશે. જો જરૂરી જણાશે તો ગૃહ મંત્રાલય આ સમિતિનો કાર્યકાળ વધુ છ મહિના સુધી લંબાવી શકે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારો કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે બહુ મોટો પડકાર છે. આ સમસ્યા માત્ર આપણી સાર્વભૌમત્વ સાથે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, સામાજિક માળખું અને આદિવાસી સમાજોના રક્ષણ સાથે જોડાયેલી એક અત્યંત ગંભીર બાબત છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ સમિતિ સમગ્ર ભારતમાં ધાર્મિક અને સામાજિક સમુદાયોના સ્તરે થઈ રહેલા અસામાન્ય વલણોનું વ્યાપક મૂલ્યાંકન કરશે અને આ મુદ્દાના કાયમી ઉકેલ માટે એક સુઆયોજિત અને સમયબદ્ધ રોડમેપ તૈયાર કરશે.

  • સમિતિની મુખ્ય કામગીરી અને સંદર્ભ શરતો

આ ઉચ્ચ સ્તરીય સમિતિ વસ્તી વિષયક ફેરફારો પાછળના કારણોનું વિશ્લેષણ કરીને યોગ્ય નીતિ વિષયક, કાયદાકીય અને વહીવટી પગલાંની ભલામણ કરશે. સમિતિના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:

વ્યાપક ચર્ચા-વિચારણા: ગેરકાયદેસર ઇમિગ્રેશન સહિત વસ્તી વિષયક બદલાવોથી દેશ સામે ઉભા થતા વિવિધ પડકારો પર વિસ્તૃત મંથન કરવું.
મૂળભૂત કારણોનો અભ્યાસ: સરહદ પારની ગેરકાયદે પ્રવૃત્તિઓ, આર્થિક તકો અને અન્ય સામાજિક-પર્યાવરણીય પરિબળોનો ઊંડો અભ્યાસ કરવો.
વસાહત પેટર્નની ઓળખ: અસ્વાભાવિક વસાહત પેટર્ન, ગેરકાયદેસર ઇમિગ્રેશન અને આયોજિત સ્થળાંતર પાછળ જવાબદાર પાયાના પરિબળોને ઓળખવા.
ધાર્મિક અને સામાજિક સ્તરે વિશ્લેષણ: ચોક્કસ ધાર્મિક અથવા સામાજિક સમુદાયોના સ્તરે થઈ રહેલા માળખાકીય ફેરફારોનું વિશ્લેષણ કરવું, ખાસ કરીને જ્યાં વ્યાપક વલણો કરતા મોટો તફાવત જોવા મળતો હોય.
દેશનિકાલ માટે કાયમી મિકેનિઝમ: દેશમાં પહેલેથી જ વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કાનૂની, ન્યાયી અને સમયબદ્ધ ઓળખ, અટકાયત તેમજ તેમના દેશનિકાલ માટે એક સુવ્યવસ્થિત કાયમી કાર્યપદ્ધતિ (ઓપરેશનલ મિકેનિઝમ) ની ભલામણ કરવી.
સરહદ સંચાલન મજબૂત કરવું: વસ્તી સ્થિરતા, સરહદ સંચાલન (બોર્ડર મેનેજમેન્ટ) અને ઓળખ પ્રણાલીના સતત નિરીક્ષણ માટે યોગ્ય સંસ્થાકીય માળખું સૂચવવું.
કેન્દ્ર-રાજ્ય વચ્ચે સંકલન: આ ગંભીર મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન વધારવા અને વસ્તી વિષયક અસમાનતાઓને રોકવા માટે એક વ્યાપક નીતિગત માળખું પ્રસ્તાવિત કરવું.

આ ઉપરાંત, સમિતિ વસ્તી વિષયક ફેરફારોથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે યોગ્ય જણાય તેવા અન્ય કોઈપણ કડક પગલાંની ભલામણ કરવા માટે પણ સ્વતંત્ર રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code