ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આકરા પ્રહાર
ડાકોર, 22 ડિસેમ્બર, 2025ઃ Congress attacks state government જનઆક્રોશ યાત્રાના બીજા તબક્કાના બીજા દિવસે કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.
શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રાના બીજા દિવસની શરૂઆત ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરથી કરવામાં આવી. જનઆક્રોશ યાત્રા બોરડી, અલીના, મિર્ઝાપુર, મહુધા, ભાનેર, કઠલાલ, માનકવા અને ખાત્રજ માર્ગે મહેમદાવાદ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
તેમણે જણાવ્યું કે, ભાજપના રાજમાં આજે રાજ્યમાં હપ્તારાજ ચાલી રહ્યું છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ સામાન્ય જનતાનું કામ પૈસા આપ્યા વગર થતું નથી. કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમમાં કમિશન જાય ત્યાર પછી જ ટેન્ડરો પાસ થાય છે. આ કારણસર રાજ્યમાં બ્રિજ, રોડ અને રસ્તાઓ તૂટી પડતા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

ભાજપના રાજમાં કાયદો-વ્યવસ્થાની હાલત મરી પરવારી બની ગઈ છે. રાજ્યમાં બહેન-દીકરીઓ સાથે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. બુટલેગરો બેફામ થઈ ગયા છે અને ખુલ્લેઆમ દારૂની મહેફિલો ચાલી રહી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં એમનામાં કોઈ ડર નથી, કારણ કે એમના હપ્તા ગાંધીનગર સુધી જાય છે. તેથી એમને કોઈનો ડર રહ્યો નથી.
ખેડા જિલ્લામાં પાણીની વિકરાળ સમસ્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ ભ્રષ્ટાચારના અડ્ડા બની ચૂકી છે. ભાજપના ધારાસભ્યો અને એમના મળતિયાઓ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. એક સમયે જેમની પાસે સાયકલ નહોતી, તે લોકો આજે ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરી રહ્યા છે, અને આ બધો પૈસા જનતાના ટેક્સના પૈસા છે. મનરેગા યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે મનરેગા યોજનામાં બચુ ખાબડે ખુલ્લેઆમ લૂંટ ચલાવી 200થી 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નહોતા. બચુભાઈ ખુદ કહેતા હતા કે મને મંત્રીપદેથી કોઈ હટાવી નહીં શકે, કારણ કે આ ભ્રષ્ટાચારમાં મોટો હિસ્સો ગાંધીનગરમાં બેઠેલા લોકોનો છે. અંતે એમને સીધા હટાવવાને બદલે ધીમે ધીમે મંત્રીમંડળ વિસ્તરણ વખતે પડતા મૂકવામાં આવ્યા.
શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષાર ચૌધરીએ?
જનઆક્રોશ યાત્રા દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે દેશમાં રાહુલ ગાંધીજીએ વોટચોરીનો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં તાજેતરમાં SIRની કામગીરી કરવામાં આવી, જેના મુજબ 72 લાખ મત ઓછા થવાના છે. અગાઉની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાર-જીતનો ફર્ક માત્ર 8 લાખ મતનો હતો, પરંતુ હવે 72 લાખ મત ઘટ્યા છે ત્યારે ભાજપને લીડ પણ નહીં મળે અને પરિણામો સંપૂર્ણપણે જુદા આવશે.
જનઆક્રોશ યાત્રામાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહભાઈ ડાભી, જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહભાઈ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા.


