નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા 2025નાં પરિણામો અંતિમ તબક્કામાં છે અને વલણો મુજબ NDA ફરી સત્તા સ્થાપિત કરતી નજરે પડે છે, જ્યારે મહાગઠબંધનને ભારે ઝટકો લાગ્યો છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના નબળા પ્રદર્શન માટે ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને જવાબદાર ગણાવી છે. બીજી તરફ એનડીએમાં જીતનો માહોલ છે અને આગામી સરકારને લઈને રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, “મારી જે આશંકા હતી, એ જ થયું. SIR પ્રક્રિયામાં 62 લાખ વોટ કાપી દેવામાં આવ્યા અને માત્ર 20 લાખ વોટ ઉમેરાયા હતા. SIR ફોર્મ ભર્યા વગર પાંચ લાખ વોટ વધારી દેવાયા હતા.” તેમણે વધુમાં કહ્યું કે આમાંથી ખાસ કરીને ગરીબો, દલિતો અને લઘુમતી વર્ગના વોટને નુકસાન થયું છે. તેમણે સાથે જ EVM અંગે શંકાઓ હાલ પણ યથાવત્ હોવાનું જણાવ્યું હતું. દિગ્વિજય સિંહે કોંગ્રેસને આંતરિક સંગઠન મજબૂત કરવાની સલાહ આપતાં કહ્યું કે, “આ સમય રેલીઓ-જનસભાઓનો નથી, પરંતુ મતદાન કેન્દ્રો પર સીધો સંપર્ક વધારવાનો છે. વિજેતા ઉમેદવારોને અભિનંદન.”
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાની 243 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદારોએ મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન કર્યું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 70 ટકા જેટલુ મતદાન થયું હતું. દરમિયાન આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણોમાં જ એનડીએ આગળ જોવા મળી હતી. બિહારની આ ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. કોંગ્રેસને હાલની સ્થિતિએ માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડે તેમ છે.

