બેંગલૂરુ, 10 મે 2026: Congress has stabbed DMK in the back with change of power વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના એક કાર્યક્રમમાં સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ચૂંટણી હાર માટે ‘આખી દુનિયા’ને દોષી ઠેરવે છે અને આ બધું તેના અહંકારને લીધે છે. કોંગ્રેસ પાર્ટીએ તમિલનાડુમાં DMKની પીઠમાં છરો ભોંકી દીધો છે. પોતાના સહયોગી DMKને પણ છેતર્યા છે. જ્યાં એક તરફ ભાજપ ચૂંટણીમાં જીત મેળવી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ છેલ્લા ત્રણ લોકસભા ચૂંટણીમાં 100 બેઠકોનો આંકડો પણ પાર કરી શકી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારથી ત્રણ રાજ્યોના પ્રવાસે છે. વડાપ્રધાન આજે સવારે 11 વાગ્યે કર્ણાટકના બેંગલુરુ પહોંચ્યા હતા. જ્યાં ‘આર્ટ ઓફ લિવિંગ’ના 45મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. અને એક ‘ધ્યાન મંદિર’નું પણ ઉદ્ઘાટન કર્યા બાદ એક જનસભાને સંબોધન કર્યુ હતું. તમિલનાડુની રાજનીતિનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને DMK વચ્ચે છેલ્લા 25-30 વર્ષથી ગાઢ સંબંધો રહ્યા છે. DMKએ ઘણી વખત કોંગ્રેસને સંકટમાંથી બહાર કાઢી છે. તેમણે દાવો કર્યો કે 2014 પહેલા કેન્દ્રમાં 10 વર્ષ સુધી ચાલેલી કોંગ્રેસ સરકાર પણ DMKના સમર્થનને કારણે જ ટકી રહી હતી.
વડાપ્રધાને કહ્યું કે DMKએ હંમેશા કોંગ્રેસના હિતમાં કામ કર્યું, પરંતુ જેવું સત્તાનું સમીકરણ બદલાયું, કોંગ્રેસે પહેલી જ તકે DMKની પીઠમાં છરો ભોંકી દીધો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સત્તાના લોભમાં પોતાના સહયોગીઓ સાથે પણ વિશ્વાસઘાત કરે છે.
બેંગલુરુમાં HAL એરપોર્ટ પાસે આયોજિત જનસભામાં PM મોદીએ કોંગ્રેસ પર તીખો હુમલો કરતા કહ્યું કે, ‘તેઓ બંધારણ, લોકશાહી, બંધારણીય સંસ્થાઓ અને કોર્ટને દોષી ઠેરવે છે. મારી રાજકીય કારકિર્દીમાં મેં ક્યારેય કોઈ મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટી સાથે આવું વર્તન કરતા જોઈ નથી. તેઓ હારમાં એટલા ઊંડા ડૂબી ગયા છે કે તેમની પાસે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.ભાજપ સરકારો માટે લોકોનું કલ્યાણ જ સર્વસ્વ છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારો નારો ‘સૌનું કલ્યાણ’ છે અને અમારું મોડેલ ‘સુશાસન’ છે. આ જ કારણ છે કે લોકો ભાજપને બીજી અને ત્રીજી વાર પણ પોતાની સેવા કરવાની તક આપી રહ્યા છે.’

