
અમદાવાદઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તબક્કાવાર બેઠકો યોજીને વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ એક પછી એક રાજકીય પક્ષોના પ્રાદેશિક નેતાઓ સાથે બેઠક યોજીને સાંઠગાંઠ શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ વધુને વધુ બેઠકો મેળવે તે દિશામાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા સહિત પ્રદેશનું માળખુ બદલવાની કવાયત તો ઘણા સમયથી કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા ચાલી રહી છે. બીજીબાજુ કોંગ્રેસ છોડીને ગયેલા શંકરસિંહ વાઘેલા સહિત કેટલાક નેતાઓને પક્ષમાં પરત લેવા કે કેમ તે અંગે પણ મંથન ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો જ સમય બાકી છે, ત્યારે કોઈપણ નિર્ણય વહેલી તકે લેવાય તવું પક્ષના કાર્યકરો ઈચ્છી રહ્યા છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ સક્રિય બન્યા છે. થોડાં દિવસ પહેલાં જ તેમણે નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપીના પ્રદેશ પ્રમુખ જયતં બોસ્કી ( પટેલ ) સાથે બેઠક કર્યા બાદ ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા સાથે પણ બેઠક યોજાતાં જ ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. કહેવાય છે કે, એઆઇએમઆઇએમ તથા બીટીપી વચ્ચે ભંગાણ પડયું છે અને બીટીપીનું કોંગ્રેસ સાથે જોડાણ થઇ રહ્યું છે. તેવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની ૨૦૨૨માં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને લઇને તમામ રાજકીય પક્ષોએ કવાયત હાથધરી દીધી છે. ભાજપની સાથે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની તમામ બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખવાની તાજેતરમાં જ આપના રાષ્ટ્ર્રીય સંયોજક સુપ્રિમો અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી. ત્યારે અસ્તિત્વ સામે લડી રહેલી કોંગ્રેસે પણ વિખૂટા પડેલાં પક્ષોની સાથે પુન જોડાણ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. કોંગ્રેસમાંથી વિખૂટા પડેલાં શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાય તેવી વાતો વહેતી થઇ છે.