સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતાધિકાર અધિકારો બચાવવા માટે મહારેલી અને ઘરણાનો કાર્યક્રમ આવતી કાલે 9મી ફેબ્રુઆરીને સોમવારે યોજાશે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યુ છે. અને મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થિત મતદારોની બાદબાકી કરવામાં આવી રહી છે. તેની સામે વિરોધ કરાશે. કોંગ્રેસનું કહેવું છે કે દરેક નાગરિકે પોતાના બંધારણીય અધિકારોની રક્ષા માટે આગળ આવવું જોઈએ.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “જ્યારે મતદાતાનો મત છીનવાય છે, ત્યારે લોકશાહીના મૂળ પર જ ઘા થાય છે. આ દરેક નાગરિકના અધિકારનો પ્રશ્ન છે. જો Form-7ના નામે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ થાય, તો તેની સામે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે. સુરેન્દ્રનગરમાં આવતી કાલે 9મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ દ્વારા રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાશે. શહેરમાં સવારે 10 વાગ્યે બસ સ્ટેશનથી રેલી શરૂ થશે. રેલી કલેક્ટર કચેરી અને ત્યારબાદ એસપી ઓફિસ સુધી જશે, જ્યાં ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.
ડો. મનીષ દોશીએ સુરેન્દ્રનગરના દરેક નાગરિક, યુવાન, કાર્યકર્તા અને જાગૃત મતદાતાને આ લોકશાહી સંઘર્ષમાં જોડાવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પોતાના બંધારણીય હક જાળવવા અને લોકશાહી માટે અવાજ બનવા માટે સૌએ આગળ આવવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે મત આપવાનો અધિકાર એ મૂળભૂત હક છે અને રજૂઆત કરવી એ ગુનો નથી. લોકશાહી બચાવવી એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે

