પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની વિચારણાઃ શિક્ષકોની ફરજનો સમય બદલાયો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હવે સરકાર દ્વારા પ્રાથમિક ધોરણના વર્ગો પણ શરૂ કરવાનું વિચારી રહી છે. આગામી દિવસોમાં ધો-6થી 8ના વર્ગો શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. રાજયની તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફરજનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની 100 ટકા હાજરી માટે સૂચના આપવામા આવી છે. તેમજ શિક્ષકોની ફરજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી કોરોના સંક્રમણના પગલે શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામા આવતા હતા. રાજયમાં 15 ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના અંતમાં પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરાયાં હતા. ત્યાર બાદ ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોરોના પ્રથમ વર્ષના વર્ગો પણ આજથી શરૂ થયાં છે. ધોરણ 12 પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા પછી લાંબા સમય સુધી ઘરેથી અભ્યાસ કર્યા બાદ હવે જે કોલેજમાં પ્રવેશ લીધો છે તે કોલેજમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરશે. સ્કૂલ અને કોલેજના વર્ગો શરૂ કરવા છતા હજુ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. સરકારે માસ પ્રમોશન આપવાનો ઈન્કાર કરીને પરીક્ષા લેવાનો પણ નિર્ણય કર્યો હતો.