Site icon Revoi.in

કચ્છમાં મેઘ મહેરને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક : 9 ડેમ ઓવરફ્લો

Social Share

ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પરિણામે રાપર, ભચાઉ અને ગાંધીધામ તાલુકાના અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

જિલ્લામાં નોંધાયેલા સારા વરસાદને કારણે 9 જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

વરસાદનું જોર એટલું છે કે કચ્છના રણમાં પણ પાણી ભરાયા છે અને હિલોળા લઈ રહ્યા છે. ગત રાત્રિથી રાપર તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આજે આંગણવાડીઓ અને તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ભારે વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને વાહનવ્યવહાર માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.