1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન સાથેના યુદ્ધને અમેરિકા દ્વારા ધાર્મિક યુદ્ધ સાથે સરખાવાતા વિવાદ સર્જાયો
ઈરાન સાથેના યુદ્ધને અમેરિકા દ્વારા ધાર્મિક યુદ્ધ સાથે સરખાવાતા વિવાદ સર્જાયો

ઈરાન સાથેના યુદ્ધને અમેરિકા દ્વારા ધાર્મિક યુદ્ધ સાથે સરખાવાતા વિવાદ સર્જાયો

0
Social Share

વોશિંગ્ટન, 30 માર્ચ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથના એક ધાર્મિક નિવેદને વૈશ્વિક સ્તરે વિવાદ છેડ્યો છે. હેગસેથ પર આરોપ છે કે, તેઓ ઈરાન સાથેના જંગને ધાર્મિક રંગ આપી રહ્યા છે. તાજેતરમાં ધાર્મિક નેતાઓ સાથેની એક બેઠકમાં તેમણે આ યુદ્ધને ‘ઈસુ ખ્રિસ્ત માટે લડાતું યુદ્ધ’ ગણાવ્યું હતું, જેના કારણે પેન્ટાગોનથી લઈને વ્હાઈટ હાઉસ સુધી ખળભળાટ મચી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીટ હેગસેથે ધાર્મિક નેતાઓ સાથેની ગુપ્ત અને જાહેર બેઠકોમાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે, “દુષ્ટ લોકો વિરુદ્ધ જો હિંસા કરવામાં આવી રહી હોય, તો તેમના પ્રત્યે દયા બતાવવાની કોઈ જરૂર નથી.” તેમણે આ લડાઈને ધર્મની રક્ષા માટેનો પ્રયાસ ગણાવ્યો હતો. ‘ધ હિલ’ના અહેવાલ મુજબ, હેગસેથે અત્યાર સુધીમાં આવી 10થી વધુ બેઠકો કરી છે, જેને ‘પ્રાર્થના સભા’નું નામ આપવામાં આવ્યું છે.

જ્યોર્જટાઉન યુનિવર્સિટીના સ્કોલર મેથ્યુ ટેલરે આ બાબતને અત્યંત ચિંતાજનક ગણાવતા કહ્યું કે, “પહેલીવાર પેન્ટાગોન દ્વારા કોઈ યુદ્ધને ‘ધર્મયુદ્ધ’ માં ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે ખોટું છે.” અમેરિકાના પૂર્વ સૈનિકોએ પણ આનો સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકન સૈનિકોને ‘ખ્રિસ્તી સૈનિકો’ તરીકે વર્ગીકૃત કરવાની કોશિશ લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે. 2019ના એક રિપોર્ટ મુજબ, અમેરિકાના માત્ર 70 ટકા સૈનિકો જ પોતાની ઓળખ ખ્રિસ્તી તરીકે આપે છે.

આ વિવાદ વકરતા અમેરિકી રક્ષા મંત્રાલય (પેન્ટાગોન) એ સ્પષ્ટતા કરી છે કે આવી પ્રાર્થના સભાઓ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. જોકે, વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, હેગસેથ સતત ધર્મગુરુઓ સાથે મળીને આ યુદ્ધને ધાર્મિક વળાંક આપવા મથામણ કરી રહ્યા છે.

સવાલ એ ઉઠે છે કે રક્ષામંત્રી આવું કેમ કરી રહ્યા છે? અહેવાલો મુજબ, અમેરિકા ઈરાન સાથેના યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું છે. શરૂઆતમાં ઈઝરાયેલના કહેવાથી હુમલો કર્યા બાદ હવે અમેરિકા આ જંગમાંથી બહાર નીકળી શકતું નથી. તાજેતરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ યુદ્ધ શરૂ કરવા માટે હેગસેથને જવાબદાર ગણાવ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પોતાની ખુરશી બચાવવા અને જનતાનું સમર્થન મેળવવા હેગસેથ ‘ધર્મ’નો સહારો લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા 8 ભારતીયોની વતન વાપસી, જણાવી આપવીતિ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code