કોરોના સંકટઃ ગુજરાત હાઈકોર્ટે ત્રીજી લહેરની તૈયારીઓને લઈને સરકારને કર્યો વેધક સવાલ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને જરૂરી દવાની અછત સર્જાઈ હતી. દરમિયાન હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. તેમજ સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈને તૈયારીઓ અંગે વેધક સવાલ કર્યાં હતા.
કેસની હકીકત અનુસાર સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર પાસે રેમડેસીવીર, ઓકસીજન સહિતની વસ્તુઓ બાબતે મહત્વના સૂચનો અને જવાબો માંગ્યા છે. તેમજ રાજય સરકારને જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરટીપીસીઆરની સવલતો અને અન્ય માળખાગત સુવિધાઓની ઉપલબ્ધતા ગ્રામ્ય વિસ્તારોમાં નથી અને આ સમસ્યા તપાસમાં વિલંબ દર્દીઓને સારવાર આપવાના વિલંબ તરફ દોરી જાય છે. આ ઉપરાંત કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી સંદર્ભે નીતિ અને નિર્ણયને રેકર્ડ પર મુકયો નથી. કોરોનાના ત્રીજા વેવને લઈને રાજય સરકારને વેધક સવાલ પૂછયો હતો કે ત્રીજા વેવ માટે સરકારની કેવી તૈયારી છે.