
ગુજરાતમાં રવિવારે પણ ચાલુ રહેશે કોરોના રસીકરણઃ અત્યાર સુધી 30 લાખથી વધારેને અપાઈ રસી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. હવે રવિવારે પણ રસીકરણ કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં રવિવારનાં દિવસે પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે. આ પહેલા રવિવારના રોજ રજાના કારણે વેક્સિનેશન નહોતું થઈ શકતું. દરમિયાન રાજ્યમાં શુક્રવારે 4,45,406 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 5,84,482 લોકોને બીજ ડોઝનું રસીકરણ કરવામાં આવી ચુક્યું છે. આમ કુલ 32,26,387 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમીરી ધરાવતા 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમના પત્ની સહિતના મહાનુભાવોએ કોરોનાની રસીનો ડોઝ લીધો છે.