
ઉનાળાના વેકેશનમાં કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનો પડ્યો ફટકો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજૂ લહેરથી ઉદ્યોગ-ધંધાને ભારે નુકશાની વેઠવાનો વારૌ આવ્યો છે.. દિવાળી પછી કોરોનાના કેસોમાં ઘટાડો આવતા લોકો એવું માનતા હતા કે હવે કોરોના ગયો પરંતુ વધુ આક્રમક સ્વરૂપમાં પાછો ફરતા હવે ઉનાળુ વૅકેશનની રજાઓમાં ફરવા જવાનું મોટાભાગના લોકોને રદ કરવું પડે તેમ છે. લોકોમાં ફરી ડર પેસી ગયો છે એટલે પરીક્ષા પછી ફરવા જનારો વર્ગ અચકાય છે. પરિણામે ગુજરાતમાંથી બહાર ફરવા જતો ટ્રાફિક 60 થી 75 ટકા સુધી ઘટી જવાનો ટુર ઓપરેટરો અંદાજ લગાવી રહ્યા છે.’
દેશ કે વિદેશના કોઈપણ પર્યટન સ્થળે ફરવા જઈએ તો ગુજરાતી તો અવશ્ય મળે જ, ગુજરાતીઓ હરવા ફરવા માટે જાણીતા છે. જો બહુ વ્યવસ્થા ન હોઈ તો પણ આજુબાજુના ડેસ્ટિનેશન અચૂક ફરવા જાય છે. જો કે આ વખતે તો ભારે તકલીફ થઇ છે અને કોરોનાએ બધાના ટાઈમ ટેબલ બગાડી નાખ્યા છે. ગુજરાત સહિત દેશ વિદેશના ટૂરિઝમ સાથે સંકળાયેલા એક જાણીતા ટુર ઓપરેટરે જણાવ્યુ હતું કે,, ગુજરાતમાંથી આ વખતે બહાર જનારા લોકોમાં કમ સે કમ 60 થી 75 ટકા સુધીનું ગાબડું પડશે. કોરોનાના કારણે આમ પણ લોકો ડરેલા છે અને અનેક રાજ્યોમાં હવે આરટીપીસીઆર ટેસ્ટ કર્યા પછી જ પ્રવેશ મળે છે ત્યારે લોકો જોખમ લેવા નથી માગતા. વિદેશમાં પણ જ્યાં ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં કોરોના વકર્યો છે. ફ્રાન્સ, જર્મની, યુરોપના દેશો કે જ્યાં લોકો હોંશે હોંશે જતા હોય છે ત્યાં કોરોના સ્થિતિ બેકાબુ છે એટલે ત્યાં જવાનું આમ પણ મુશ્કેલ છે. એપ્રિલના અંત સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ બંધ છે.
ટ્રાવેલ્સ ફેડરેશન સાથે જોડાયેલા અનેય ટુર ઓપરેટરે જણાવ્યુ હતુ કે, ઉનાળામાં ગુજરાતમાંથી’ 80 હજારથી લઈને 1 લાખ લોકો દેશ વિદેશ ફરવા જતા હોય છે. જો કે હવે આ વખતે પરિસ્થિતિ વિપરીત હોવાથી લગભગ 60 ટકાથી વધુ બુકિંગ કેન્સલ થશે અને આના કારણે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી વધુ મુશ્કેલી અનુભવશે.
ગુજરાતમાંથી ઉનાળામાં ફરવા જવા માટે સિમલા, મનાલી, આબુ, દીવ, ગોવા જેવા ડેસ્ટિનેશન છે જ્યારે વિદેશમાં થાઈલેન્ડ, સિંગાપુર, મલેશિયા, દુબઇ, સ્વિત્ઝર્લેન્ડ અને યુરોપના દેશોનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ સરેરાશ સ્થાનિક પ્રવાસી સરેરાશ વ્યક્તિદીઠ 20 હજાર સુધી ખર્ચ કરતો હોય છે. ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ 40 થી 60 હજાર ખર્ચ કરતો હોઈ છે. આ સંજોગોમાં કરોડો રૂપિયાનો ટૂરિઝમનો ધંધો નહિ થઇ શકે.જોકે લોકો ગીર, અંબાજી, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ લોકો જશે પરંતુ એ માટે પણ કોરોના કાબૂ હેઠળ છેકે કેમ તે જોયા પછી જ કોઇ ફરવા જશે.’