1. Home
  2. ગુજરાતી
  3. દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના વિકાસ માટે ત્રણ વર્ષમાં 1500 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના વિકાસ માટે ત્રણ વર્ષમાં 1500 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના વિકાસ માટે ત્રણ વર્ષમાં 1500 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે

0
Social Share

ભુજઃ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરના માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા અને સુધારવા માટે રૂપિયા 1500 કરોડની ત્રણ વર્ષની એક મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. આ આયોજનમાં માર્ગોને પહોળા કરવા અને તેને સુધારવા, બંદર પર લાઇટો વધારવા, બેકઅપ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેનો વપરાશ શરૂ કરાવવા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે.  તેમજ કંડલા બંદરે રોજબરોજ  લાખો ટ્રકોની આવનજાવન રહે છે, તેના પાર્કિંગની જગ્યા વધારવા અને સુધારવાનાં કામો પણ હાથ ધરાઇ રહ્યાં છે.

દીન દયાળ ટ્રસ્ટ પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં દરિયાઇ માર્ગે ઉતારુઓના પરિવહન માટે ભારે ક્ષમતાઓ રહી હોવા છતાં તેના માટે જોઇએ એટલી સુવિધા ઉપલબ્ધ ન હોવાની હકીકતમાં સુધારો કરવાની જવાબદારી કેન્દ્ર સરકારે ડીપીટીને સોંપી છે. કચ્છમાં દરિયાઇ પ્રવાસનની શક્યતાઓ રહેલી છે, તેના પર ડીપીટીને લાંબા સમયથી રસ રહ્યો છે.  હવે આ બાબતે કામ હાથ ધરાઇ રહ્યું છે.  આ સંદર્ભમાં હવે મુંદરાથી વાડીનાર, માંડવીથી ઓખા, માંડવીથી મુંબઇ વચ્ચે દરિયાઇ વ્યવહાર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. વર્ષો પહેલા મુંબઇ અને કરાચી સાથે સ્ટીમર વ્યવહારથી સંકળાયેલાં માંડવી બંદરે હાલના બેક વોટરને આગળ વધારીને ઉતારુ સેવા ફરી શરૂ કરી શકાય તેમ છે. આ સંદર્ભમાં સાગરમાલા વિકાસ પ્રાધિકરણના ટોચના અધિકારીએ અમાસના ભરતીના પાણીની ગેરહાજરીમાં બંદરની સ્થિતિની જાત તપાસ કરી લેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.

દરિયાઇ પરિવહનમાં ડંકો વગાડી રહેલાં ડીપીટીએ હવે કચ્છના વિખ્યાત દેશી વહાણવટાની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં ઓલ્ડ તુણા બંદરે દેશી વહાણોને માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ રહી છે. કચ્છના દેશી વહાણવટાના સમૃદ્ધ વારસાનું પ્રતિબિંબ પાડતાં એક મ્યુઝિયમની કંડલા બંદરે શરૂઆત કરવાનું પણ ડીપીટીએ નક્કી કર્યું છે. કંડલા બંદરના વિકાસમાં ચાવીરૂપ રહેલાં ગાંધીધામ સંકુલ માટે પણ ડીપીટી સતત સક્રિય છે. તાજેતરમાં રોટરી ક્લબની સંગાથે હાથ ધરાયેલા વનીકરણના કાર્યક્રમમાં હવે રાજ્યના વન વિભાગના શહેરી વનીકરણના આયોજન માટે વધારાની 50 એકર જમીન ફાળવવામાં આવી છે. આમ ગાંધીધામ સંકુલમાં કુલ 80 એકરમાં લીલી હરિયાળી ઊભી કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code