Site icon Revoi.in

અમદાવાદના નારોલમાં વરસાદી પાણીના ભરાયેલા ખાડામાં વીજ કરંટ લાગતા દંપત્તીનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં રોડ પર પડેલા ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરાયેલા હતા. તે દરમિયાન રાતના સમયે પાણીના ખાડામાંથી એક્ટિવા સ્કૂટર પર પસાર થતા પતિ-પત્નીને ઈલેક્ટ્રિક કરંટ લાગતા દંપત્તી પટકાયુ હતુ. આ બનાવથી આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે પાણીના ખાડામાં ઈલે.કરંટ લાગતો હોવાથી કોઈએ દંપત્તીને બચાવવા પ્રયાસ કર્યો નહતો. આ બનાવની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વીજ કંપનીના અધિકારીઓએ દોડી આવીને વીજ લાઈન બંધ કર્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ દંપત્તીને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  શહેરના નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમનાં પત્ની અંકિતાબેન સિંગલ એક્ટિવા લઈને  ગઈકાલે 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે નારોલની મટન ગલી રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. રોડ પર વરસાદી પાણી ભરાયેલાં હતાં. આ રોડ પર મોટા ખાડા પડેલા છે અને એમાં જ વરસાદી પાણી ભરાયેલાં હતાં. એમાં અચાનક જ ખાડો આવતાં પતિ-પત્નીને કરંટ લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયાં હતાં. સ્થાનિકો તાત્કાલિક દોડી ગયા હતા, જોકે વીજ કરંટ હોવાથી વીજ કંપનીના અધિકારીઓને અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વીજ કંપનીના અધિકારીઓ પણ તાત્કાલિક પહોંચ્યા અને વીજપુરવઠો બંધ કર્યો હતો. ફાયરબ્રિગેડ દ્વારા 108 એમ્બ્યુલન્સમાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં, જ્યાં પતિ-પત્નીને મૃત્યુ જાહેર કરાયા હતા. નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ શહેરના લાંભા વોર્ડમાં નારોલ વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયાં છે. રોડ પર મોટા ખાડા પડ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ રોડ પાછળ વાપરવામાં આવતું હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ગંભીર બેદરકારીને કારણે બે લોકોના જીવ ગયા છે. નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીવાળા રોડ પર ખાડાઓ પડ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ રોડ પર ખાડાઓ પડ્યા હોવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે દંપતીનું મોત થયું છે. હાલ ટોરેન્ટ દ્વારા કેબલો-લાઈનોની ચકાસણી કરવામાં આવી રહી છે.

Exit mobile version