ભારતમાં 205 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ, રિકવરી રેટ 98 ટકા
દિલ્લી: કોરોનાવાયરસ સામે દેશની જનતા અને સરકારે જે રીતે લડાઈ લડી છે તેને જોતા દેશમાં હવે કોરોનાવાયરસના કેસ સતત સુધરી રહી છે. દેશમાં કોરોનાવાયરસના એક્ટિવ કેસનો આંકડો 2.40 લાખ સુધી પહોંચ્યો છે અને દેશનો રિકવરી રેટ પણ 98 ટકા પહોંચ્યો છે. 205 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા છે.
શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,257 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 271 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,39,15,569 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 93,17,17,191 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 50,17,753 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
સૌથી વધુ ચિંતા કેરળમાં (Kerala Covid-19 New Cases) છે. અહીં છેલ્લા એક દિવસમાં 12,228 કેસ નોંધાયા છે, જ્યારે 141 દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 32 લાખ 25 હજાર 221 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,963 દર્દીઓ સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 4,50,127 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 7 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 58,00,43,190 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
જો વાત કરવામાં આવે ગુજરાતની તો હાલ રાજ્યમાં 127 એક્ટિવ કેસ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 20 લોકો સંક્રમિત થયા છે.