
ડાકોર જતાં તમામ માર્ગો પદયાત્રીઓથી ઊભરાયાં, સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર લગાવ્યા કેમ્પ
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. હવે ધાર્મિક સ્થાનો પર પરંપરાગત યોજાતા મેળાઓને પણ મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડાકોરમાં પણ ફાગણી પૂનમનો મેળો ભરાશે. હાલ ડાકોરના મેળા માટે પદયાત્રીઓનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગરમીમાં વધારો થયો છતાં યાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય ડાકોર, જય રણછોડના નાદથી ભાવવિભોર બની સૌ કોઈ ડાકોર જવા નીકળી રહ્યા છે. વડીલોની સાથે ભુલકાઓ પણ પૂનમના મેળામાં ભગવાનના દર્શન કરવા પહોંચી રહ્યા છે. સાથે પોલીસનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બેરિકેડ લગાવી યાત્રીઓ માટે એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે દર્શનાર્થે જનારા યાત્રીઓ માટે દાતાઓએ પણ ચા, નાસ્તા, ભોજન, ફળ ફળાદી અને આશ્રય લેવા માટેની વ્યવસ્થા કરી છે.
ડાકોર જતાં તમામ રસ્તાઓ પર પગપાળા યાત્રિકો જોવા મળી રહ્યા છે. જેમાં અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર પગપાળા સંઘોની ભીડ વધુ જોવા મળી રહી છે. કોરોનાના કેસ ઘટતા આ વર્ષે ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનું આયોજન થવાનું છે. ભગવાનના આશીર્વાદ લેવા શ્રદ્ધાળુઓ અને જુદા-જુદા સંઘો પગપાળા ડાકોરના માર્ગો પર જોવા મળી રહ્યા છે. પૂનમના દિવસે સમગ્ર પરિવાર સાથે અનેક લોકો ડાકોર ભગવાનના દર્શન માટે જતા હોય છે. પગપાળા જતા શ્રદ્ધાળુઓ તેમજ જુદા-જુદા સંઘોને માર્ગોમાં સમસ્યા ના થાય એ માટે સેવાભાવી સંસ્થાઓએ કેમ્પ લગાવ્યા છે.
ફાગણ સુદ પૂનમના પહેલા ત્રણ દિવસથી શ્રદ્ધાળુઓ ડાકોર જવા નીકળતા હોવાથી હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડી તેમજ જશોદાનગર સર્કલથી હાથીજણ સર્કલ સુધીનો માર્ગ 18 માર્ચ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે. મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો પદયાત્રા કરે છે. પદયાત્રા કરીને મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચે છે. જય રણછોડના નાદ સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે.
રાજા રણછોડજીનું ડાકોરનું મંદિર ઉત્સવોની ભૂમિ છે પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિરનો સર્વોપરી ઉત્સવ છે. ત્યારે ડાકોર જતા પદયાત્રીઓ માટે રસ્તામાં નાસ્તો જમવાની અને આરામની સેવા આપતા સેવા કેમ્પો શરુ થયા છે. નોંધનીય છે કે, ડાકોરનો ફાગણી ઉત્સવ ફાગણ સુદ અગિયારસથી ફાગણી પૂનમ સુધી ઉજવાતો ઉત્સવ છે.