અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હાલ દરિયામાં જખૌથી લગભગ 170 કિમી દૂર હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં વાવાઝોડુ રાત્રના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, વાવાઝોડાની અસર હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ વાવાઝોડાથી કોઈ જાનહાની ના સર્જાય તે માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ લગભગ 12 કિમીની ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાની મોટી ખબર સામે આવી છે, બિપોરજોય વાવાઝોડુ રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાઇ શકે છે. વાવાઝોડાની અસર કચ્છમાં દેખાવાની શરુ થઇ ગઇ છે, કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. દરમિયાન વાવાઝોડાં બિપરજોયને પગલે કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 17 જૂન સુધી શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દરિયામાં 9 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોફાની મોજા ઉછળશે.
દરિયામાં હાઈ-ટાઈડ આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર રાજ્ય સરકાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની લગભગ 30 જેટલી ટીનો હાલ તૈનાત છે, હાલ મોટી સંખ્યામાં દરિયાકાંઠા નજીકમાં રહેલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આજે કચ્છ જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે. સૌથી વધુ અસર નલિયા, લખપત, માંડવી, દ્વારકા, સલાયા સહિતના વિસ્તારમાં જોવા મળશે. આવતીકાલે રાત્રે વાવાઝોડાની તીવ્રતા ઘણી ઘટી જશે. આજની રાત કચ્છવાસીઓ અને પ્રશાસન માટે ખૂબ જ મહત્વની રાત છે. એટલે પ્રશાસન સતત લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે.
- 125ની સ્પીડે ભારે પવન ફૂંકાશે
વાવાઝોડાને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે સાંજના સમયે જખૌ પોર્ટની નજીક વાવાઝોડું ટકરાશે. આજે 125ની સ્પીડે ભારે પવન ફૂંકાશે. કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અને કાલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે. 500 કિમી સુધી વાવાઝોડાની અસર રહેશે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો 40 કિમીની ઝડપે અમદાવાદમાં પવન ફૂંકાશે.