યુપી, દિલ્હી અને મુંબઈના યુવાનોને ટેલિગ્રામ દ્વારા કટ્ટરપંથી બનાવવાનું ખતરનાક નેટવર્ક ઝડપાયું
લખનૌ, 7 એપ્રિલ 2026: દેશમાં એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરતા ઉત્તર પ્રદેશ એટીએસએ ખતરનાક ખુલાસા કર્યા છે. ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકી સાકિબ ટેલિગ્રામ ગ્રુપ દ્વારા યુપી સહિત દિલ્હી, હરિયાણા અને મુંબઈના યુવાનોને જોડીને તેમનું બ્રેઈનવોશ કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. સાકિબે એક ડઝનથી વધુ એવા ગ્રુપ બનાવ્યા હતા જેમાં કટ્ટરપંથી વીડિયો અને ભડકાઉ પોસ્ટ શેર કરીને યુવાનોને દેશ વિરોધી ગતિવિધિઓ માટે તૈયાર કરવામાં આવતા હતા.
એટીએસની તપાસ મુજબ, દુબઈમાં બેઠેલા આકિબ નામના શખ્સે સાકિબનો સંપર્ક પાકિસ્તાની હેન્ડલર્સ સાથે કરાવ્યો હતો. ત્યારબાદ સાકિબે પોતાની ટીમ બનાવવાની જવાબદારી લીધી હતી. આ કાવતરામાં સાકિબની સાથે અરબાબ, લોકેશ અને વિકાસની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ હાલ રિમાન્ડ પર છે અને પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ જેવી જ મોટી ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા.
તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સાકિબ પંજાબના અનેક હથિયાર તસ્કરો સાથે સતત સંપર્કમાં હતો. તે આ તસ્કરો મારફતે મોટા પાયે હથિયારો ખરીદવાની તૈયારી કરી રહ્યો હતો. સાકિબે પોતે ફાયરિંગ પ્રેક્ટિસ કરી હોવાની વાત પણ સ્વીકારી છે અને તેના મોબાઈલમાંથી આ અંગેના પુરાવા પણ મળી આવ્યા છે. એટીએસ હવે આ હથિયાર તસ્કરોની શોધખોળ કરી રહી છે.
આરોપીઓના મોબાઈલમાંથી પહેલગામ આતંકી હુમલો અને દિલ્હી બ્લાસ્ટના અનેક વીડિયો મળી આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરી યુવાનોને ભડકાવવામાં આવતા હતા. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ, સાકિબ જે રીતે પોતે ટ્રેનિંગ પામ્યો હતો, તે જ રીતે અન્ય યુવાનોને તૈયાર કરી રહ્યો હતો જેથી ઓછા સમયમાં વધુ આતંકી ઘટનાઓને અંજામ આપી શકાય. રિમાન્ડના હજુ ત્રણ દિવસ બાકી છે, જેમાં એટીએસ વધુ મહત્વની કડીઓ જોડે તેવી શક્યતા છે. ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા સેંકડો યુવાનોની ઓળખ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેથી આ નેટવર્કને જડમૂળથી ઉખેડી શકાય.


