નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણને નાથવા માટે સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. 18 ડિસેમ્બરથી દિલ્હીમાં ‘પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ’ (PUCC) વગર વાહનોને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) આપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કડક નિર્ણયની અસર જોવા મળી રહી છે અને દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ દાવો કર્યો છે કે, આ નિર્ણય બાદ અત્યાર સુધીમાં 2 લાખથી વધુ નવા PUCC બનાવવામાં આવ્યા છે.
મંત્રી મનજિંદર સિંહ સિરસાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી GRAP-4 (ગ્રેપ-4) અને અન્ય પ્રતિબંધોની સકારાત્મક અસર જોવા મળી છે. કડકાઈ બાદ દિલ્હીમાં કુલ 2,12,332 નવા PUCC બન્યા છે, જ્યારે 10,000 વાહનો ટેસ્ટમાં ફેલ થયા હતા જેમનું ફરીથી ટેસ્ટિંગ કરાવાયું છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ હવામાનમાં થોડો બગાડ થયો છે, પરંતુ કાલથી તેમાં સુધારાની આશા છે.
સિરસાએ વધુમાં જણાવ્યું કે આજથી પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ (Extensive Drive) શરૂ કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓને ઓળખીને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડ્યે તેમને સીલ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, કેટલીક પ્રાઈવેટ કંપનીઓ ‘વર્ક ફ્રોમ હોમ’ના નિયમોનું પાલન નથી કરી રહી તેવી ફરિયાદો મળી છે. આવી કંપનીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો નિયમ ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હીને ધૂળમુક્ત કરવા માટે રાત્રે રસ્તાઓની સફાઈ અને ધોવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત બાયો-માઈનિંગ દ્વારા કચરાના પહાડો દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, પેટ્રોલ પંપ પર લાગેલા ANPR કેમેરા કામ ન કરતા હોવાનો મુદ્દો ગરમાયો છે. મંત્રી સિરસાએ આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “લોકો એક્સપાયર થયેલા સર્ટિફિકેટ બતાવીને ઈંધણ પુરાવી રહ્યા છે કારણ કે કેમેરા કામ નથી કરતા. આપ સરકારની દરેક યોજનામાં કૌભાંડ હોય છે, અમને હતું કે આમાં નહીં હોય, પરંતુ અહીં પણ ગોટાળા છે.”
પ્રદૂષણ મુદ્દે વિપક્ષના હુમલા અને ગીત રિલીઝ કરવા પર કટાક્ષ કરતા સિરસાએ કહ્યું કે, “તેઓ માત્ર ગીતો ગાવામાં અને ખુશ થવામાં માને છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 વર્ષ સત્તામાં રહ્યા પણ હવે ગાયબ છે. તેઓ દિલ્હી માત્ર ‘ચુપકે-ચુપકે’ ફિલ્મ જોવા આવ્યા હતા. તેઓ માત્ર ફિલ્મો જોઈ શકે છે અને ગીતો ગાઈ શકે છે.”


