
દિલ્લીમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ, 24 કલાકમાં 1500 જેટલા કેસ
- દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે
- લોકોએ સતર્ક રહેવાની જરૂર
- રાજધાનીમાં 24 કલાકમાં 1500 જેટલા કેસ
દિલ્લી: દેશમાં કોરોનવાયરસના કેસ વધી રહ્યા છે તેનાથી તો સૌ કોઈ ચિંતિત છે ત્યારે લોકોની ચિંતામાં તે વાત વધારો કરી રહી છે કે દિલ્લી ફરીવાર કોરોનવાયરસનું એપિસેન્ટર બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. કારણ છે કે દેશની રાજધાની દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 1490 કેસ નોંધવામાં આવ્યા છે અને દેશના અડધા જેટલા કેસ દિલ્લીમાં નોંધવામાં આવી રહ્યા છે.
જો વાત કરવામાં આવે દિલ્લીમાં કોરોનાવાયરસના કેસની તો એક દિવસ પહેલા દિલ્લીમાં 1367 કેસ નોંધવામાં આવ્યા હતા અને એક્ટિવ કેસનો આંકડો હવે 5250 થઈ ગયો છે. નિષ્ણાતોના મતે કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતાને ટાળી રહ્યા છે. તેમના મતે કેસ ચોક્કસપણે વધ્યા છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ હજી ઓછું છે. દિલ્હી સરકાર પણ કહી રહી છે કે ગભરાવાની જરૂર નથી.
જો કે, થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની R વેલ્યુ દેશ કરતા વધારે છે. આર વેલ્યુનો અર્થ એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરે છે. IIT મદ્રાસ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું છે કે હાલમાં દિલ્હીની R વેલ્યુ 2.1 છે. દેશની આર વેલ્યુ 1.3 પર છે. આવી સ્થિતિમાં દિલ્હીની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.