
દિલ્હીઃ 1લી જાન્યુઆરીથી ઓદ્યોગિક એકમોમાં કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના ઔદ્યોગિક, ઘરેલુ અને અન્ય હેતુ માટે કોલસાનો ઉપયોગ ઉપર તા. 1લી જાન્યુઆરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એનસીઆરમાં ઔદ્યોગિક એકમોમાં વાર્ષિક આશરે 17 લાખ ટન કોલસાનો ઉપયોગ થાય છે.
એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ 1 જાન્યુઆરી, 2023 થી સમગ્ર દિલ્હી-NCRમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય હેતુઓ માટે કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશો જારી કર્યા છે. થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ઓછા સલ્ફર કોલસાના ઉપયોગને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. એનસીઆરમાં ઔદ્યોગિક એકમોમાં વાર્ષિક આશરે 17 લાખ ટન કોલસાનો ઉપયોગ થાય છે, જેમાં એકલા છ મોટા ઔદ્યોગિક જિલ્લાઓમાં લગભગ 1.4 મિલિયન ટનનો વપરાશ થાય છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન નિર્દેશ અનુસાર, PNG ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ધરાવતા વિસ્તારોમાં કોલસાના ઉપયોગ પરનો પ્રતિબંધ 1 ઓક્ટોબરથી અને PNG પુરવઠો હજુ પણ ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં 1 જાન્યુઆરી, 2023થી લાગુ થશે.
કમિશને અગાઉ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે સામાન્ય જનતા અને ક્ષેત્રના નિષ્ણાતોના સૂચનો આમંત્રિત કર્યા હતા. કોલસા પર પ્રતિબંધ મૂકવા અંગે તેમને મોટી સંખ્યામાં સૂચનો મળ્યા હતા. તમામ સૂચનો અને દરખાસ્તોની તપાસ કરવા અને વિચારણા કરવા માટે નિષ્ણાત જૂથની રચના કરી. તેના અહેવાલમાં, નિષ્ણાત જૂથે ભારે પ્રદૂષિત અશ્મિભૂત ઇંધણ જેવા કે કોલસાના ઉપયોગને દૂર કરવાની અને શક્ય તેટલું સ્વચ્છ ઇંધણ ફરજિયાત કરવાની ભલામણ કરી છે.