Site icon Revoi.in

અમદાવાદમાં 133 શાળાઓને પેન્ડિંગ રિકવરીના મુદ્દે DEOએ ફટકારી નોટિસ

Social Share

અમદાવાદ, 7 એપ્રિલ 2026: DEO issues notice to 133 schools  શહેરની 133 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી ગ્રાન્ટની રકમ હજુ સુધી જમા કરાવી નથી. આથી શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની 133 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટ દરમિયાન સામે આવેલી ₹2.91 કરોડની પેન્ડિંગ રિકવરી મુદ્દે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષોથી બાકી રહેલી આ સરકારી રકમની વસૂલાત માટે શાળાઓને ખુલાસો કરવા અથવા ચલણ રજૂ કરવા આદેશ અપાયો છે, અન્યથા કલેક્ટર મારફતે મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

શહેર-જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટ દરમિયાન જાણવા મળ્યું છે કે, શહેરની 133 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી ગ્રાન્ટની રકમ હજુ સુધી જમા કરાવી નથી. કુલ ₹2,91,00,000 જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા થવાની બાકી છે. જેમાં સૌથી વધુ મણિનગરની જય સોમનાથ શાળાની ₹62.55 લાખની રિકવરી બાકી છે, જ્યારે આશ્રમ રોડની વિદ્યાનગર હાઈસ્કૂલની ₹ 29.79 લાખની રકમ ચૂકવવાની બાકી છે. આ ઉપરાંત 5 શાળાઓ એવી છે જેમની પાસે ₹ 12 લાખથી વધુની વસૂલાત બાકી નીકળે છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરી ગ્રાન્ટેડ શાળાઓ કે જેમની ખાતાકીય ઓડિટમાં રિકવરી છેલ્લા ઘણા વર્ષથી પેન્ડિંગ હતી તેમને રિકવરી ભરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે અંતિમ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ઘણા વર્ષોથી આ રિકવરી પેન્ડિંગ છે તો તમે ચલણથી ભરી હોય તો ચલણની કોપી અને જો વેવ કરાવી હોય તો તેના આધારે અહીં રજૂ કરવામાં આવે નહિતર આ બાબતે રજૂઆત કરવી હોય તો પણ કરી શકો છો. નહિતર જે બાકી રકમ છે તેને સરકારી બોજો સમજીને તમારી મિલકત જે છે તેમાં બોજો દાખલ કરવા માટે કલેક્ટરને લખવાની ફરજ પડી શકે છે.

Exit mobile version