Homeગુજરાતીદેશ-વિદેશસૌથી વધારે કાર્બન ઉત્સર્જન કરનાર વિકસિત દેશો ક્લાઈમેટ ફાઈનાન્સની જવાબદારીથી ભાગી રહ્યાં...

સૌથી વધારે કાર્બન ઉત્સર્જન કરનાર વિકસિત દેશો ક્લાઈમેટ ફાઈનાન્સની જવાબદારીથી ભાગી રહ્યાં છેઃ પિયુષ ગોયલ

નવી દિલ્હી, 23 ઓક્ટોબર 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જર્મનીના બર્લિન ખાતે યોજાયેલા ‘બર્લિન ગ્લોબલ ડાયલોગ’માં ક્લાઈમેટ ફાઇનાન્સના મુદ્દે વિકસિત દેશોને આડેહાથ લીધા હતા. એક ગોળમેજી પરિષદને સંબોધતા પિયુષ ગોયલે વિકસિત દુનિયા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ઐતિહાસિક રીતે સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરનારા આ દેશો પેરિસ કરાર હેઠળ ગ્લોબલ સાઉથ અને સંવેદનશીલ દેશોને નાણાકીય તથા તકનીકી સહાય આપવામાં નિષ્ફળ રહ્યા છે અને પોતાની જવાબદારીમાંથી પીછેહઠ કરી રહ્યા છે.

પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, “2015ના પેરિસ ક્લાઈમેટ સમીઝમાં સમગ્ર વિશ્વ એકસાથે આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એવા નેતા હતા જેમણે આ મુદ્દે સમગ્ર ગ્લોબલ સાઉથને એકજુટ કર્યું હતું.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “પેરિસ કરારમાં એ વાત પર સહમતિ બની હતી કે જે વિકસિત દેશોએ દાયકાઓ સુધી પર્યાવરણ અને વાતાવરણને નુકસાન પહોંચાડ્યું છે, તેઓ જ તેની કિંમત ચૂકવશે અને આર્થિક રીતે નબળા તથા પેસિફિક અને કેરેબિયન દ્વીપ દેશોને મદદ કરશે. કરાર હેઠળ વિકસિત દેશોએ દર વર્ષે 100 અબજ ડોલરની મદદ આપવાની હતી.”

વિકસિત દેશોની ઢીલી નીતિ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કટાક્ષ કર્યો હતો કે, “11 વર્ષ વીતી ગયા છતાં એક ફૂટી કૌડી જોઈ નથી. આ માત્ર વચનો બનીને રહી ગયા છે. આ એક એવો મોટો સવાલ છે, જેનો જવાબ આજદિન સુધી વિકસિત દેશો આપી શક્યા નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં કોપનહેગન ખાતે યોજાયેલી કોપ-15 પરિષદ દરમિયાન વિકસિત દેશોએ નબળા દેશોને આબોહવા પરિવર્તનની અસરો સામે લડવા માટે દર વર્ષે 100 અબજ ડોલરની આર્થિક મદદ આપવાનું વચન આપ્યું હતું. બાદમાં 2015 ના પેરિસ કરારમાં જ્યારે વિકસિત દેશો આ વચન પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા, ત્યારે આ નાણાકીય સહાયની સમયમ્લાયાને વર્ષ 2025 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  • “આબોહવા પરિવર્તન એ વિકસિત દેશોની ભેટ છે”

આંકડાઓ રજૂ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે (ભારત) વિશ્વની 17 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, તેમ છતાં આપણું કાર્બન ઉત્સર્જન 3 ટકાથી પણ ઓછું છે. બીજી બાજુ, યુરોપ વિશ્વની માત્ર 3 થી 4 ટકા વસ્તી ધરાવે છે, પરંતુ યુરોપનું કાર્બન ઉત્સર્જન પ્રમાણ ખૂબ જ વધારે છે. વાસ્તવમાં આબોહવા પરિવર્તનની આ ગંભીર સમસ્યા વિકસિત દેશોની જ પેદા કરેલી છે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular