Site icon Revoi.in

સોમનાથમાં આજે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

સોમનાથ, 15 ફેબ્રુઆરી-2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દાદાના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પાવન દિને મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. અને મંદિરનું પરિસર હર હર મહાદેવજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભાવિકોની આજે વહેલી સવારથી મહાદેવજીના દર્શન માટે લાઈનો જોવા મળી હતી. મંદિર આજથી દર્શન માટે 42 કલાક ખૂલ્લુ રહેશે. સોમનાથ દાદાને આજે લવન્ડર ફુલોનો શણગાર કરાયો હતો, હર હર મહાદેવના નાદ સાથે આજે પાલખી યાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

સમગ્ર દેશમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શિવ ભક્તિના આ મહાઉત્સવ નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. ‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની છે. ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં જડબેસલાક અને સુવ્યવસ્થિત સુરક્ષા તૈનાત કરવમાં આવી છે. આજે અંદાજે 4 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોમનાથ શિવમય બની ગયું છે. ભાવિકોની ભીડ નિયંત્રણ માટે અલગ-અલગ પ્રવેશ અને નિર્ગમ માર્ગો ગોઠવાયા છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશેષ રૂટ ડાયવર્ઝન અને પાર્કિંગ ઝોન નિર્ધારિત કરાયા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે માર્ગદર્શક બેનરો, જાહેર સૂચનાઓ અને વોલન્ટિયરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 સોમનાથ ઉપરાંત રાજ્યભરમાં આજે મહા શિવરાત્રિનું પર્વ ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવ્યું હતું. જસદણના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દાદાના સાનિધ્યમાં ભક્તિમય માહોલમાં મંગળા આરતી સંપન્ન થઈ હતી. આ પવિત્ર અવસરે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, જસદણ પ્રાંત અધિકારી ખાંભળા અને અન્ય પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સવારે અને બપોરે એમ બે વખત રુદ્રાભિષેકનું આયોજન કરાયું છે. મંગળા આરતી બાદ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા પણ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

Exit mobile version