ગાંધીનગર, 13 મે 2026: DG orders police department to save fuel ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાની સાથે સાથે ઈંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે.
આ સંદર્ભે ડો. રાવે જણાવ્યું હતું કે એસ્કોર્ટ અને પાયલોટીંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ ફાળવવામાં આવશે. સામાન્ય સંજોગોમાં પાયલોટીંગ કે ગાઈડ-કારની ફાળવણી ટાળવા અને અનિવાર્ય સંજોગોમાં શહેરી વિસ્તારમાં મોટરબાઈક તથા હાઈવે પર ફોર-વ્હીલરનો ઉપયોગ કરવા જણાવાયું છે.
કોર્ટની કામગીરી બાબતે પણ મહત્વનો ફેરફાર સૂચવતા તેમણે જણાવ્યું હતું કે, સરકારી વકીલ સાથેના બ્રિફિંગ માટે અધિકારીઓએ રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમનો ઉપયોગ કરવો. તેમજ ‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ હેઠળ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ મારફતે સાક્ષી કે જુબાની આપવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવું, જેથી મુસાફરીનો સમય અને ખર્ચ બચી શકે.
વહીવટી સ્તરે પણ પરિવર્તન લાવતા માટે હવે વિભાગની તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
બંદોબસ્ત માટે ફોર્સની ફાળવણીમાં પણ વ્યવહારુ અભિગમ અપનાવતા નજીકના પોલીસ સ્ટેશનોમાંથી જ સ્ટાફની ફાળવણી કરવા અને સ્ટાફ માટે ચોક્કસ પીક-અપ પોઈન્ટ નક્કી કરી એક જ વાહનમાં મુસાફરી કરવા અથવા જરૂર જણાયે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા બેઠકમાં જણાવવામાં આવ્યું છે.

