Site icon Revoi.in

વઢવાણમાં ભોગાવો નદી પરનો ધોળીપોળ બ્રિજ માત્ર 13 વર્ષમાં જર્જરિત થયો

Social Share

સુરેન્દ્રનગરઃ  વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડતો ઘોળીપોળ બ્રિજમાત્ર 13 વર્ષમાં જર્જરિત બની ગયો છે. ભોગાવો નદી પર વર્ષ 2012માં લાખો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધોળીપોળ નામથી ઓળખતા આ બ્રિજ પરથી લીંબડી, ધંધુકા, ભાવનગર અને અમદાવાદ તરફ મોટીસંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે પરંતુ તાજેતરમાં આ બ્રિજ પર ગાબડા પડી જતાં બિસ્માર હાલતમાં હોય અનેક વાહનચાલકો, વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહિશોને ભારે હાલાકી પડી રહી છે.

વઢવાણ શહેરના પ્રવેશદ્વાર સમાન ગેબનશાપીર સર્કલથી ધોળીપોળ તરફ જવા માટે બે બ્રિજ  આવેલા છે. જેમાં એક નવો બ્રિજ તેમજ એક જૂના બ્રિજ છે. નવા બ્રિજ ઉપર દિવસ-રાત રાહદારીઓ, વાહનચાલકો પસાર થઇ રહ્યા છે. આ બંને બ્રિજ ભોગાવા નદી પર આવેલા છે. વઢવાણ રાજવી પરિવારના રાજબાઇએ બનાવેલો બ્રિજ 100 વર્ષે પણ અડિખમ ઊભો છે. જ્યારે નવો બ્રિજ માત્ર 13 વર્ષમાં જ જર્જરિત બની ગયો છે. બ્રિજ પર અનેક જગ્યાએ ગાબડા પડયા છે  બંને બાજુની ફૂટપાટ ઉપર પણ સળિયા દેખાતા હતા પરંતુ તંત્ર દ્વારા પખવાડિયા પહેલા રીપેરીંગ કામ હાથ ધરી અને જ્યાં સળિયા દેખાતા હતા ત્યાં પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. તંત્રએ ભ્રષ્ટાચાર છુપાવવા માટે પ્લાસ્ટર તો કર્યું પરંતુ હવે બ્રિજના રોડ પર ફરી સળિયા દેખાવા લાગ્યા છે જેને લઈને બ્રિજના નિર્માણ કામ સામે સવાલ ઊભા થાય છે. આ બ્રિજ પર રોજ 10 હજારથી વધુ વાહનો પસાર થાય છે. કોઈ મોટી જાનહાની સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેની સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલને તાત્કાલિક રિપેરીંગ કરી મજબૂતાઇ આપવાની માગ ઊઠી છે.